ઈરાને ચીન સાથે અબજોની ડીલ કરીને ભારતને આપ્યો મોટો આંચકો

14 July, 2020 12:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઈરાને ચીન સાથે અબજોની ડીલ કરીને ભારતને આપ્યો મોટો આંચકો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની (ફાઈલ તસવીર)

ભારત દેશ એવો છે જેના દુનિયાના મોટા ભાગના દેશો સાથે સંબંધો સારા છે. સારા સંબંધો ધરાવતા દેશોની યાદીમાં ઈરાનનું પણ નામ છે. પરંતુ ઈરાને તાજેતરમાં કરેલા એક નિર્ણયથી ભારતને આંચકો લાગ્યો છે. વ્યાપારિક દ્રષ્ટિએ અતિમહત્વપૂર્ણ યોજના એવા ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી ભારતનો પત્તો કાપી નાખ્યો છે. ઈરાને ચીન સાથે 400 અબજ ડોલરની ડીલની અસર દેખાવા લાગી છે. ચીન સાથે હાથ મિલાવ્યા બાદ ઈરાને ભારત સાથેના છેડા જાણે છુટ્ટા કરવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

ઈરાનનો આક્ષેપ છે કે, ચાબહાર રેલ પ્રોજેક્ટ માટે કરાર કર્યાના ચાર વર્ષ વીતવા છતા ભારતે આ પરિયોજના માટે ફંડ નથી આપ્યું. એટલે તે પોતે જ આ પરિયોજનાને પુરી કરશે. ચીન સાથે કરાર પછી ઈરાનના મૂળભૂત ઢાંચા સાથે જોડાયેલા પ્રોજેક્ટને બીજિંગ પૂરું કરશે.

નોંધનીય છે કે, ચાબહાર પોર્ટથી જહેદાન સુધી એક રેલ લાઈન બનાવવાની હતી જે માટે ભારત પૈસા આપવાનું હતું. આ યોજનાને 2022 સુધી પૂર્ણ કરવાની છે. જે અફઘાનિસ્તાનની બોર્ડર સુધી જશે. હવે સંભાવના છે કે આ બધા પ્રોજેક્ટ ચીનને સોંપી દેવામાં આવે. ઈરાને કહ્યું કે, ભારતની મદદ વગર જ હવે આ પરિયોજનામાં આગાળ વધવામાં આવશે. આ પહેલા ભારતની સરકારી રેલ્વે કંપની તેના માટે નાણા આપવાની હતી. આ યોજના ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે ત્રીપક્ષીય કરાર હતો. વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાન યાત્રા પર ગયા હતા ત્યારે ચાબહાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યોજનામાં 1.6 અબજ ડોલરનું રોકાણ કરવાનું હતું. પરિયોજનાને પૂરી કરવા માટે ઈરકાનના એન્જિનિયર ઈરાન પણ ગયા હતા પણ અમેરિકી પ્રતિબંધોના ડરથી ભારતે આ રેલ યોજના પર કામ કરવાનું શરૂ નથી કર્યું. ઉલ્લેખનીય છે કે ભારત પહેલાથી જ ઇરાનથી જ સૌથી વધુ કાચા તેલની આયાત કરતું હતું. પણ અમેરિકાના પ્રતિબંધો પછી તેણે આ ઓછું કરી દીધું.

ચાલબાજ ચીન પોતાની વિસ્તારવાદી નીતિ હેઠળ વિવિધ દેશોમાં અબજોનું રોકાણ કરવાની નીતિ પર જ આગળ વધી રહ્યું છે. હવે ઈરાન એન ચીન વચ્ચે  એક કરાર થવાનો છે. જે મુજબ, ચીન ઈરાનથી ખૂબ સસ્તા દરે તેલ ખરીદશે અને બદલામાં ઈરાનમાં 400 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે. ચાબહાર પોર્ટ વ્યાપારિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે અને ભારતે તેના વિકાસ માટે અબજો રૂપિયા ખર્ચ કર્યા છે. ચીને પાકિસ્તાનમાં જે ગ્વાદર પોર્ટ બનાવ્યું છે તેનાથી આ પોર્ટ માત્ર 100 કિમી દૂર છે.

national news india china iran iraq narendra modi