આઇએનએક્સ કેસમાં પી. ચિદમ્બરમને ઝટકો, ૨૬ ઑગસ્ટ સુધીની જેલ

23 August, 2019 09:14 AM IST  |  નવી દિલ્હી

આઇએનએક્સ કેસમાં પી. ચિદમ્બરમને ઝટકો, ૨૬ ઑગસ્ટ સુધીની જેલ

ચિદંબરમને થઈ જેલ

દિલ્હીની રાઉજ ઍવન્યુ કોર્ટે આઇએનએક્સ મીડિયા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતાં પી. ચિદમ્બરમને ૨૬ ઑગસ્ટ સુધી સીબીઆઇના રિમાન્ડમાં મોકલ્યા છે. સીબીઆઇની રિમાન્ડ દરમ્યાન તેમનો પરિવાર દરરોજ તેમને ૩૦ મિનિટ મળી શકશે. આ ઉપરાંત વકીલો પણ તેમને ૩૦ મિનિટ સુધી મળી શકશે. આઇએનએક્સ મીડિયા કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે એ કૉન્ગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. સીબીઆઇ કોર્ટથી તેમને રિમાન્ડ પર લેવાની માગણી કરવામાં આવી શકે છે. ગઈ કાલે રાતે પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. એક કલાક ચાલેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે પી. ચિદમ્બરમને બોલવાની પરવાનગી આપી ત્યાર બાદ ચિદમ્બરમે કહ્યું કે ‘મને મારા અને મારા પુત્રના બૅન્ક-અકાઉન્ટ વિશે પૂછવામાં આવ્યું હતું. મારું વિદેશમાં કોઈ અકાઉન્ટ નથી. મારા પુત્ર કાર્તિનું વિદેશી બૅન્કમાં અકાઉન્ટ છે. પૈસા વિશે મને કોઈ સવાલ પૂછવામાં આવ્યા નથી. મેં તમામ સવાલના જવાબ આપ્યા છે. મારા પર લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે.’
કપિલ સિબલે કોર્ટમાં કહ્યું કે આ મામલામાં આરોપી કાર્તિ ચિદમ્બરમ છે. તેમને માર્ચ ૨૦૧૮માં દિલ્હી હાઈ કોર્ટથી જામીન મળી ગયા છે. અન્ય આરોપીઓને પણ જામીન મળી ગયા છે.

સિબલે દલીલ કરી કે ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી ૬ સચિવો દ્વારા આપવામાં આવે છે. કોઈની પણ આમ ધરપકડ ન કરી શકાય. આ દસ્તાવેજી કેસ છે. ચિદમ્બરમ ક્યારેય તપાસથી નથી ભાગ્યા.
સિબલે કહ્યું કે ગઈ રાતે સીબીઆઇએ કહ્યું કે તેઓ ચિદમ્બરમની પૂછપરછ કરવા માગે છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઇએ માત્ર ૧૨ સવાલ પૂછ્યા છે. અત્યાર સુધી તેમને એ ખબર હોવી જોઈએ કે તેમને શું સવાલ પૂછવા છે. તેમણે એવા સવાલ પૂછ્યા છે જેને ચિદમ્બરમ સાથે કોઈ લેવા-દેવા નથી.

સિંઘવીએ કહ્યું કે જો તપાસ-એજન્સી મને ફોન કરે અને હું ન આવું તો શું એને તપાસમાં અસહયોગ કહેવાય? જે જવાબ તેઓ સાંભળવા માગતા હોય અને એ ન આપીએ તો એને અસહયોગ કહેવાય? તેમણે માત્ર એક વાર ચિદમ્બરમને ફોન કર્યો હતો અને તેઓ ગયા હતા. તો આને શું અસહયોગ કહેવાય?
સિંઘવીએ કહ્યું કે કસ્ટડીમાં પૂછપરછનો અમે વિરોધ કરીએ છીએ. સીબીઆઇએ પુરાવામાં ચેડાંનો કોઈ આરોપ નથી લગાવ્યો. ચિદમ્બરમ ભાગી જશે એવું કોઈ જોખમ નથી.

કોર્ટરૂમના કઠેડામાં ઊભા રહેતાં જ ચિદમ્બરમ બોલ્યા કોર્ટરૂમ તો બહુ નાનો છે
આઇએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરમને આજે રાઉત ઍવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટરૂમ પહોંચતાં જ ચિદમ્બરમના વકીલોની ફોજ પણ પહોંચી ગઈ હતી. અહીં તેમણે પોતાના વકીલ વિવેક તન્ખ્વા, કપિલ સિબલ અને અભિષેક મનુ સિંઘવી સાથે મુલાકાત કરી હતી.
અહીં ચિદમ્બરમને કઠેડામાં ઊભા કરવામાં આવ્યા હતા. એ દરમ્યાન ચિદમ્બરમે સીબીઆઇ અધિકારીઓ પર ટિપ્પણી કરી હતી.
કોર્ટમાં કઠેડામાં ઊભા રહેતાં જ ચિદમ્બરમે સીબીઆઇ પર ટિપ્પણી કરતાં કહ્યું કે ‘આ કોર્ટરૂમ તો બહુ નાની છે. મને તો આશા હતી કે કોર્ટરૂમ તો ખૂબ મોટી હશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે શું કોર્ટમાં બધી જ કોર્ટરૂમ આટલી જ નાની છે. ત્યારે સીબીઆઇના અધિકારીઓએ કહ્યું કે રાઉત ઍવન્યુ કોર્ટની તમામ કોર્ટરૂમ નાની છે. એમાં પણ હાલમાં કોર્ટરૂમ લોકોથી ખીચાખીચ ભરેલી છે.

આઇએનએક્સ કેસના તપાસ અધિકારીની બદલી
આઇએનએક્સ મીડિયા કેસની તપાસ કરી રહેલા ઈડીના તપાસ અધિકારી રાકેશ આહુજાની બદલી થઈ છે. રાકેશ આહુજાને ઈડીની બહાર ફરી દિલ્હી પોલીસમાં મોકલી દેવાયા છે. તેમની બદલી બાદ આઇએનએસ મીડિયા મામલાની જવાબદારી હવે કોઈ નવા તપાસ અધિકારીને સોંપવામાં આવશે.
રાકેશ આહુજા આ મામલાની તપાસમાં શરૂઆતથી જ જોડાયેલા છે. તેઓ ઈડીના સહાયક નિર્દેશકના પદ પર હતા. એકાએક તેમની ટ્રાન્સફર શા માટે કરવામાં આવી એની જાણકારી મળી શકી નથી.

આ પણ જુઓઃ ફૅશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં બૉલી સેલેબ્સનો જમાવડો

આ પહેલાં કૉન્ગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની લગભગ ૩ કલાકથી વધારે પૂછપરછ થઈ. એ દરમ્યાન અધિકારીઓએ આઇએનએક્સ મીડિયા કેસને લઈને ઘણા સવાલ પૂછ્યા હતા. જોકે ચિદમ્બરમ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા.

p chidambaram national news