નૌસેનામાં સામેલ થઈ આઇએનએસ ખંડેરી સબમરીન

29 September, 2019 10:57 AM IST  |  મુંબઈ

નૌસેનામાં સામેલ થઈ આઇએનએસ ખંડેરી સબમરીન

આઇએનએસ ખંડેરી

રક્ષાપ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં શનિવારે ‘ખંડેરી’ સબમરીન ભારતીય નેવીમાં સામેલ થઈ ગઈ છે. સબમરીન આઇએનએસ ખંડેરીનો નેવીમાં સમાવેશ કરવાથી ભારતીય નેવીને સાઇલન્ટ કિલરની તાકાત મળી ગઈ છે. તે ભારતની બીજી સ્કૉર્પિયન વર્ગની મારક સબમરીન છે જેને પી-૧૭એ શિવાલિક વર્ગના યુદ્ધજહાજ સાથે નેવીમાં સમાવેશ કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા હતા.
સાઇલન્ટ કિલર તરીકે ઓળખાતી આઇએનએસ ખંડેરી પાણીમાં દુશ્મન પર સૌથી પહેલાં હુમલો કરવાવાળી કલવરી શ્રેણીની બીજી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન છે. નેવીમાં એનો સમાવેશ થવાથી હવે સમુદ્ર માર્ગે દુશ્મન દેશ ભારત તરફ આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત નહીં કરી શકે. ૩૦૦ કિલોમીટર દૂર આવેલા દુશ્મનના જહાજને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવનારી આઇએનએસ ખંડેરી સબમરીન દુશ્મનો માટે કાળસ્વરૂપ છે.
ખંડેરી સબમરીન ભારતીય સમુદ્રી સીમાની સુરક્ષા કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. અત્યાધુનિક ટેક્નૉલૉજીથી ભરપુર ખંડેરીમાં ટોરપીડો અને ઍન્ટિશિપ મિસાઇલ્સ પણ રાખવામાં આવશે. એ પાણીથી પાણી અને પાણીથી કોઈ પણ યુદ્ધજહાજને જમીનદોસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. ખંડેરી પાણીની અંદર ૪૫ દિવસ સુધી રહી શકે છે. આ સબમરીન એક કલાકમાં ખૂબ જ સરળતાથી ૩૫ કિલોમીટરનું અંતર કાપી શકે છે.

૬૭ મીટર લાંબી, ૬.૨ મીટર પહોળી અને ૧૨.૩ મીટરની ઊંચાઈ ધરાવતી આ સબમરીનનું કુલ વજન ૧૫૫૦ ટન છે જેમાં ૩૬થી વધારે નેવી જવાનો રહી શકે છે. દુશ્મન સેનાના છક્કા છોડાવવાની ક્ષમતા ધરાવનારી ખંડેરી સમુદ્રમાં ૩૦૦ મીટરના ઊંડાણ સુધી જઈ શકશે તેમ જ કોઈ પણ રડાર આની ભાળ ક્યારેય નહીં મેળવી શકે. એક વખત પાણીમાં ઊતર્યા બાદ ખંડેરી ૧૨,૦૦૦

કિલોમીટરનું અંતર કાપી શકે છે. એ બૅટરી પર ચાલનારી સબમરીન છે. લાંબા સયમ સુધી પાણીમાં રહેવા માટે એમાં ૭૫૦ કિલોની ૩૬૦ બૅટરી લગાવવામાં આવી છે. બૅટરીને ચાર્જ કરવા માટે એમાં ૧૨૫૦ વૉટ્‌સનાં બે ડીઝલ-જનરેટર પણ લગાવવામાં આવ્યાં છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ખંડેરી સબરીનમાં રડાર, સોનાર, એન્જિન સહિતનાં નાનાં-મોટાં ૧૦૦૦થી વધારે ઉપકરણો લગાવવામાં આવ્યાં છે એમ છતાં અવાજ ન થાય એ રીતે પાણીમાં ચાલી શકવાની ક્ષણતા ધરાવે છે. એ પાણીમાં ચાલનારી વિશ્વની સૌથી શાંત સબમરીનમાંથી એક છે જેથી તે રડારમાં સરળતાથી નથી પકડાઈ શકતી અને એથી જ એને ‘સાઇલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે.

indian navy national news