20 June, 2023 10:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિગોએ ૫૦૦ A320 પ્લેન માટેનો ઐતિહાસિક ઑર્ડર આપ્યો છે, જે સૌથી મોટી સિવિલ એવિએશનની ડીલ હોવાનું મનાઈ રહ્યું છે. યુરોપની ઍરબસે ગઈ કાલે પૅરિસ ઍરશોના પહેલા દિવસે ૫૦૦ જેટ્સ માટેના ઇન્ડિગોના રેકૉર્ડ ઑર્ડરની જાહેરાત કરી હતી. પ્લેનની સંખ્યાની દૃષ્ટિએ આ સૌથી મોટી ડીલ છે. નોંધપાત્ર છે કે આ વર્ષની શરૂઆતમાં તાતા ગ્રુપની માલિકીની ઍર ઇન્ડિયાએ ઍરબસ અને બોઇંગને ૪૭૦ પ્લેનની ખરીદીનો ઑર્ડર આપ્યો હતો. ઇન્ડિગો અને ઍરબસની વચ્ચે મહિનાઓ સુધીની વાટાઘાટો બાદ આ ડીલ થઈ છે. ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ પીટર એલબર્સે જણાવ્યું હતું કે ‘આ તો માત્ર એક શરૂઆત છે. હજી ઘણી કામગીરી થવાની છે. ભારત અને ઇન્ડિયન ઍવિએશન માર્કેટના ગ્રોથના કારણે આ ઑર્ડર આપવો અમારા માટે યોગ્ય સમય છે.’ આ પ્લેન ૨૦૩૦થી ૨૦૩૫ની વચ્ચે ડિલિવર કરવામાં આવશે. ઇન્ડિગોની પાસે અત્યારે ભારતના ડોમેસ્ટિક એવિએશન માર્કેટનો ૬૦ ટકાથી વધારે હિસ્સો છે. ઇન્ડિગોએ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ પ્લેનને રિટાયર કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિગોનો ઑર્ડર વિમાનની કિંમત જોતાં લગભગ ૫૦ અબજ ડૉલર એટલે કે ૪૦૯૫.૭૪ અબજ રૂપિયાનો છે. જોકે આ ઑર્ડરની સાઇઝ જોતાં ઇન્ડિગોને ખૂબ જ ડિસ્કાઉન્ટ મળ્યું હોઈ શકે છે.