કુંભમેળામાં જનારા શ્રદ્ધાળુઓ માટે રેલવે ૮૦૦ વિશેષ ટ્રેનો દોડાવશે

26 December, 2018 11:29 AM IST  | 

કુંભમેળામાં જનારા શ્રદ્ધાળુઓ માટે રેલવે ૮૦૦ વિશેષ ટ્રેનો દોડાવશે

કુંભ માટે રેલવે કરશે વધુ ટ્રેનની જોગવાઈ

૨૦૧૯માં યોજાનારા કુંભમેળાના પ્રવાસીઓ માટે રેલવે અલાહાબાદથી વિવિધ સ્ટેશનો વચ્ચે સામાન્ય ટ્રેનો ઉપરાંત ૮૦૦ વિશેષ ટ્રેન ચલાવશે. કુંભમેળામાં જનારા શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે દેશના પ્રત્યેક રેલવે ઝોનમાંથી છ વિશેષ ટ્રેનસર્વિસ દોડાવવાનો નિર્ણય રેલવેતંત્રે લીધો છે.

રેલવે ૫૦૦૦ NRI માટે અલાહાબાદથી દિલ્હીના પ્રવાસ માટે પાંચ સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. વારાણસીમાં NRI daળ્ના કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ એ લોકો કુંભમેળામાં જશે. ત્યાર બાદ તેમને દિલ્હીમાં પ્રજાસત્તાક દિનના સમારંભમાં લઈ જવામાં આવશે.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યા મુજબ સ્પેશ્યલ ટ્રેનોના ૧૪૦૦ કોચ અને NCR ઝોનથી અવરજવર કરનારી ટ્રેનો પર કુંભમેળાની રંગીન તસવીરો અને અલાહાબાદની પ્રસિદ્ધ ઇમારતોના ફોટો ધરાવતાં વિનાઇલનાં પોસ્ટરો લગાવીને કુંભમેળાનો પ્રચાર કરી દેશભરમાં આ ધાર્મિક મેળા સંબંધિત સંદેશ પહોંચાડવામાં આવશે.

રેલવેએ ‘પેઇન્ટ માય સિટી’ના ઉપક્રમ દ્વારા સ્ટેશનો અને કૉલોનીઓમાં કુંભમેળાનું મોટા પાયે બ્રૅન્ડિંગ કર્યું છે. સ્થાનિક સંસ્કૃતિને તેમ જ અલાહાબાદ અને એની આસપાસના વિસ્તારો સાથે જોડાયેલી કળા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ નૉર્થ સેન્ટ્રલ ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા યાત્રાળુઓના આરામગૃહની નજીકના વિસ્તારોમાં સ્ટૉલ્સ રાખવામાં આવશે. અલાહાબાદ જંક્શન પર લગભગ ૧૦,૦૦૦ શ્રદ્ધાળુઓનો સમાવેશ કરવા ચાર વિશાળ આરામગૃહ તૈયાર કરવામાં આવ્યા છે. આ આરામગૃહોમાં આવશ્યક ચીજોના વેચાણ માટેના સ્ટૉલ્સ, વૉટરબૂથ, ટિકિટ-કાઉન્ટર , LCD ટીવી, પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ, CCTV કૅમેરા જેવી સુવિધાઓ આપવામાં આવશે. એવાં આરામગૃહો અન્ય સ્ટેશનો પર પણ બનાવવામાં આવશે.

કુંભમેળામાં જળમાર્ગે વાહનવ્યવહારની સુવિધા

૨૦૧૯ની ૧૫ જાન્યુઆરીથી ૧૫ માર્ચ દરમ્યાન અલાહાબાદમાં યોજાનારા કુંભમેળામાં શ્રદ્ધાળુઓને અવરજવર માટે ઇનલૅન્ડ વૉટરવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા પુરજોશમાં તૈયારીઓ કરે છે. અલાહબાદમાં કાલીઘાટ, સરસ્વતી ઘાટ, નૈની બ્રિજ અને સુજાવન ઘાટ એમ ચાર સ્થળોએ ચાર તરતાં ટર્મિનલ તૈયાર કર્યા છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની અલાહાબાદ અને વારાણસી વચ્ચે અવરજવર માટે બે જહાજ તૈયાર રાખવામાં આવ્યાં છે. ચટનાગ, સિરસા, સીતામઢી, વિંધ્યાચલ અને ચુનાર એમ પાંચ સ્થળે હંગામી જેટીઓ તૈયાર કરવામાં આવી છે.’

અલાહાબાદના ઍરપોર્ટ પર વધુ એક ટર્મિનલ

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બમરૌલી એરપોર્ટ પર ૧૬૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા એક નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. નવું ટર્મિનલ બંધાતાં કલાકના ૩૦૦ મુસાફરોની અવરજવર શક્ય બનશે. આથી અલાહાબાદમાં વધુ કમર્શિયલ ફ્લાઇટ્સની અવરજવર શક્ય બનશે તેમ જ કુંભમેળા જેવાં આયોજનોને કારણે પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.

બમરૌલી ઍરર્પોટની ક્ષમતા વધારવા માત્ર ૧૧ મહિનામાં નવા ટર્મિનલનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું છે. ‘ઉડે દેશ કા આમ નાગરિક’ સ્કીમ હેઠળ કલાકના ૨૫૦૦ રૂપિયા પ્લેનનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્લેન-સર્વિસ હેઠળ અલાહાબાદ સાથે ૧૩ શહેરોને જોડવામાં આવ્યા છે.

kumbh mela indian railways national news