ભારતે યુદ્ધવિમાનોને ફ્રન્ટલાઇન પર ગોઠવ્યાં, ચીને 10000 સૈનિકો ગોઠવ્યા

20 June, 2020 06:54 PM IST  |  Ladakh | Agencies

ભારતે યુદ્ધવિમાનોને ફ્રન્ટલાઇન પર ગોઠવ્યાં, ચીને 10000 સૈનિકો ગોઠવ્યા

પ્રતીકાત્મક તસવીર

લદાખમાં ચીનની સાથે તણાવ ચરમ પર છે. હવે ભારત દગાખોર ચીનને દરેક રીતે પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. સેના, વાયુસેના અને નેવીને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યાં છે. વાયુસેના પોતાનાં યુદ્ધવિમાનોને ફૉર્વર્ડ બેઝ પર તહેનાત કરી રહી છે. આ દરમ્યાન વાયુસેનાના ચીફ આરકેએસ ભદૌરિયાએ લેહ અને શ્રીનગર ઍરબેઝનો પ્રવાસ કર્યો છે. આને ચીનને મોટા સંકેત આપવા તરીકે જોવામાં આવી રહ્યું છે. અહીંથી લદ્દાખમાં તાત્કાલિક કોઈ પણ ઑપરેશનને મોટો અંજામ આપી શકાય છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનાં ઑપરેશન માટે બન્ને ઍરબેઝ ઘણાં મહત્ત્વનાં છે. ભદૌરિયાનો આ પ્રવાસ ઘણો જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમકે ગલવાન ખીણમાં ચીની સૈનિકોની સાથે મારામારીમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા બાદ ત્રણેય સેનાના ચીફે વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ બેઠકના કેટલાક દિવસ બાદ ભદૌરિયા આ પ્રવાસ પર આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઍરફોર્સ ચીફ બે દિવસના પ્રવાસે આવ્યા હતા અને ઑપરેશનલ નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે ચીન લદ્દાખ સરહદ પર ઉશ્કેરણી કરી રહ્યું છે અને તેણે અહીં ૧૦ હજાર સૈનિકોને ગોઠવ્યા છે. પોતાના પ્રવાસના પહેલા તબક્કામાં ઍરચીફ ૧૭ જૂને લેહ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ શ્રીનગર ઍરબેઝ ૧૮ જૂને ગયા. આ બન્ને ઍરબેઝ પૂર્વ લદ્દાખ વિસ્તારની નજીક છે અને કોઈ પણ યુદ્ધવિમાન માટે અહીં ઉડાન ભરવી સરળ છે અને અહીંથી ચીન પર ભારત ભારે પડી શકે છે.

ચીનની નાપાક હરકતને જોતાં વાયુસેનાએ સુખોઈ, મિરાજ ૨૦૦૦ અને જગુઆર યુદ્ધવિમાનોને ફ્રન્ટલાઇન પર પહોંચાડી દીધા છે જ્યાંથી આ વિમાનો શૉર્ટ નોટિસ પર ઑપરેશનને અંજામ આપી શકે છે. ભારતીય સેનાને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં સપોર્ટ માટે અમેરિકી અપાચે હેલિકૉપ્ટર પણ નજીકમાં તહેનાત કરવામાં આવ્યા છે. ચિનૂક હેલિકૉપ્ટરને પણ લેહ ઍરબેઝ નજીક તહેનાત કરવામાં આવ્યા છે. હેલિકૉપ્ટરને જરૂરી સામાન ઉઠાવવા માટે તહેનાત કરવામાં આવ્યાં છે.

india china indian army terror attack ladakh national news