બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાનની સાથે યુદ્ધ માટે પણ તૈયાર હતી ભારતીય સેના

20 August, 2019 08:59 AM IST  |  નવી દિલ્હી

બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાનની સાથે યુદ્ધ માટે પણ તૈયાર હતી ભારતીય સેના

સેનાધ્યક્ષ બિપિન રાવત

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેના પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. એટલું જ નહીં, તેઓ યુદ્ધ માટે પાકિસ્તાનની જમીન પર લડવા માટે પણ તૈયાર છે. સેના પ્રમુખ બિપિન રાવતે સરકારને આ વાત સ્પષ્ટ રીતે કહી દીધી હતી. સમાચાર એજન્સીને સેનાના ટોચના અધિકારીએ જણાવ્યું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ સેના પ્રમુખે સરકારને કહ્યું હતું કે તેમની સેના પાકિસ્તાનને કોઈ પણ પ્રકારના જમીન પરના હુમલામાં હરાવવા અને તેની ધરતી પર જઈને લડવા પણ તૈયાર છે.

સૂત્રોએ એ પણ જણાવ્યું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર જ્યારે હવાઈ હુમલા સહિતના અલગ અલગ વિકલ્પો પર વિચાર કરી રહી હતી ત્યારે સેના પ્રમુખે પોતાના દળની તૈયારીઓ વિશે જણાવ્યું હતું.

2016માં થયેલા ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ 11 હજાર કરોડ રૂપિયાના હથિયારો ખરીદવાનો નિર્ણય કર્યો હતો. જેમાંથી 95 ટકા મળી ચુક્યા છે. જેથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

14 ફેબ્રુઆરીએ થયો હતો હુમલો
14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના જવાનોને લઈ જતી ગાડી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની સીમામાં બાલાકોટ પાસે આવેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરી તેના નષ્ટ કર્યા હતા. જે બાદ પાકિસ્તાને તેના પલટવારમાં ભારતીય સેનાના ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાયુસેનાએ તેના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું હતું.

national news