19 May, 2025 09:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય સેનાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર ઓપરેશન સિંદૂર સંબંધિત વધુ એક વિડિયો શેર કર્યો
ભારતીય સેનાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર ઓપરેશન સિંદૂર સંબંધિત વધુ એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયો ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડ દ્વારા શૅર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં સેનાના જવાનો આતંકવાદી અડ્ડાઓને સંપૂર્ણપણે નષ્ટ કરતા જોવા મળે છે. ભારતીય સેનાએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘યોજના બનાવી, તાલીમ આપી અને કાર્યવાહી કરી. ન્યાય થયો.’
સેનાએ આ વિડિયોમાં કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર પાકિસ્તાન માટે એક એવો પાઠ હતો જે એણે દાયકાઓથી શીખ્યો નહોતો. આ બધું પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી શરૂ થયું હતું. કોઈ ગુસ્સો નહોતો, લાવા હતો. મનમાં ફક્ત એક જ વાત હતી કે આ વખતે આપણે તેમને એવો પાઠ ભણાવીશું કે તેમની પેઢીઓ એને યાદ રાખશે. આ બદલાની ભાવના નહોતી, આ ન્યાય હતો. ૯ મેના રોજ રાત્રે ૯ વાગ્યે ભારતીય સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતી બધી દુશ્મન ચોકીઓને જમીનદોસ્ત કરી દેવામાં આવી. દુશ્મન પોતાની ચોકી છોડીને ભાગતો જોવા મળ્યો. ઑપરેશન સિંદૂર માત્ર એક કાર્યવાહી નહોતી, એ પાકિસ્તાન માટે એક પાઠ હતો જે એણે દાયકાઓથી શીખ્યો નહોતો.’