ઈરાનને ક્રુડ માટે રૂપિયામાં ચુકવણી કરશે ભારત, UAE સાથે પણ કરાર

27 December, 2018 01:05 PM IST  | 

ઈરાનને ક્રુડ માટે રૂપિયામાં ચુકવણી કરશે ભારત, UAE સાથે પણ કરાર

ભારત ઈરાન વચ્ચે હવે રૂપિયામાં થશે વેપાર(ફાઈલ તસ્વીર)

ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ વચ્ચે ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર ડૉલરની જગ્યાએ રૂપિયા અને રિયાલમાં કરવાની સમજૂતી થઈ છે.આ સમજૂતીના કારણે ભારતે ઈરાનમાંથી ક્રુડ ઓઈલ ખરીદવા માટે ડૉલર પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. રૂપિયામાં પણ ચુકવણી કરી શકાશે. સાથે આ સમજૂતી અંતર્ગત ઈરાનથી ખરીદવામાં આવતા કુલ ક્રુડ ઓઈલની કિંમતના અડધા પૈસા જ ભારતને ચુકવવાના રહેશે. જ્યારે બાકીની રકમના બદલે ભારત ઈરાનમાં પોતાની વસ્તુઓની નિકાસ કરશે.

ભારતને સસ્તામાં મળી શકે છે ક્રુડ ઓઈલ

જાણકારોના મતે જો રૂપિયામાં ક્રુડ ઓઈલની ચુકવણી કરવામાં આવે તો ભારતને ફાયદો થઈ શકે છે. કારણ કે આ રીતે ક્રુડ ઓઈલ સસ્તું પડશે. ભારત તેલના વિશ્વના સૌથી મોટા સાત આયાતકારોમાંથી એક છે. અને હવે ભારત ક્રુડ ઓઈલ ખરીદવા માટેના અન્ય વિકલ્પો પણ વિચારી રહ્યું છે. જ્યારે ભારત ક્રુડ ઓઈલની ડૉલરમાં ખરીદી કરતું હતું ત્યારે તે તેને મોંઘું પડતું હતું.પરંતુ આ નવી સમજૂતીના કારણે ભારતને ફાયદો થશે.

અમેરિકાએ પ્રતિબંધ કર્યા હળવા

અમેરિકાએ ઈરાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ અમેરિકાએ ભારતને ઈરાન સાથે વેપાર કરવાની છૂટ આપી છે. આયાત ઘટાડવાની શરતે ભારતને અમેરિકાના પ્રતિબંધોમાંથી છૂટ મળી છે. સાથે ભારતને અમેરિકાએ અનાજ, દવાઓ સહિતની વસ્તુઓની નિકાસની પણ છૂટ આપી છે. 6 મહિના માટે આ છૂટ આપવામાં આવી છે. ભારત ઈરાન પાસેથી રોજનું મહત્તમ 3 લાખ બેરેલ ક્રુડ આયાત કરી શકે છે. પ્રતિબંધ પહેલા ભારત ઈરાન પાસેથી રોજનું 5.6 લાખ બેરેલ ક્રુડ આયાત કરતું હતું.

UAE સાથે પણ કરાર

ઈરાનની સાથે સાથે સંયુક્ત આરબ અમિરાત સાથે પણ ભારતના કરાર થયા છે. જે બાદ બંને દેશો વચ્ચે વેપાર ડૉલરના બદલે રૂપિયામાં થશે. ભારત અને UAE વચ્ચે 2 સમજૂતી પર હસ્તાક્ષર થયા. બંને દેશો વેપારમાં ભાગીદાર છે. ભારતમાં ક્રુડ ઓઈલની આયાતનો UAE છઠ્ઠો સૌથી મોટા સ્ત્રોત છે.

india iran