૨૦૫૦ સુધી ભારત ૩૦ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનશે : અદાણી

20 November, 2022 09:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હવે દર ૧૨થી ૧૮ મહિનામાં એટલી જ રકમ જીડીપીમાં ઉમેરાતી થશે અને ભારત ૨૦૫૦ સુધીમાં દુનિયાની બીજા નંબરની સૌથી વિશાળ ઇકૉનૉમી બનશે

ફાઇલ તસવીર

એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતને એક ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનતાં ૫૮ વર્ષ લાગ્યાં હતાં. હવે દર ૧૨થી ૧૮ મહિનામાં એટલી જ રકમ જીડીપીમાં ઉમેરાતી થશે અને ભારત ૨૦૫૦ સુધીમાં દુનિયાની બીજા નંબરની સૌથી વિશાળ ઇકૉનૉમી બનશે.

મુંબઈમાં ૨૧મી વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ અકાઉન્ટન્ટ્સને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે એક પછી એક વૈશ્વિક કટોકટીએ અનેક ધારણાને પડકારી છે, જેમાં ચીને પશ્ચિમી લોકતાં​ત્રિક સિદ્ધાંતોને અપનાવવા જોઈએ, બિનસાંપ્રદાયિક સિદ્ધાંતો વૈશ્વિક છે, યુરોપિયન યુનિયને એક જ રહેવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂમિકામાં ઘટી હોવાનું સ્વીકારવા રશિયાને ફરજ પાડવામાં આવશે એવી ધારણાનો સમાવેશ થાય છે.’

ભારતની વૃદ્ધિ વિશે તેમણે કહ્યું હતું કે ‘જીડીપીના સૌપ્રથમ ટ્રિલ્યન ડૉલર્સ મેળવવા માટે આપણને ૫૮ વર્ષ લાગ્યાં હતાં. કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે વ્યાપકપણે સામાજિક અને આર્થિક સુધારા કરવામાં આવી રહ્યા છે એ જોતાં મારી અપેક્ષા છે કે આગામી દશક સુધીમાં ભારત દર ૧૨થી ૧૮ મહિનામાં એના જીડીપીમાં એક ટ્રિલ્યન ડૉલર ઉમેરવાનું શરૂ કરશે. એ રીતે ૨૦૫૦ સુધીમાં ભારત ૩૦ ટ્રિલ્યન ડૉલર (૨૪૪૫.૬૦ ટ્રિલ્યન રૂપિયા) ઇકૉનૉમી બનશે.’

ભારત અત્યારે ૩.૫ ટ્રિલ્યન ડૉલર (૨૮૫.૩૨ ટ્રિલ્યન રૂપિયા)ની જીડીપી સાથે દુનિયાની પાંચમી સૌથી વિશાળ ઇકૉનૉમી છે. 

national news india gautam adani