ચીનને ટાર્ગેટ કરી ભારતે કહ્યું કે ક્વૉડ બીજા દેશોને દેવાંની જાળમાં ફસાવતું નથી

23 May, 2022 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્વાડ દરમ્યાન મોદી ઑસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાનને મળશે

વડા પ્રધાન મોદી


નવી દિલ્હી : ટોક્યોમાં મંગળવારે ક્વાડ સમિટ દરમ્યાન ઑસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝની સાથે સૌપ્રથમ મુલાકાત કરનારા નેતાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ રહેશે.
અલ્બનીઝની લેબર પાર્ટીએ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સને પરાજય આપ્યો હતો. અલ્બનીઝે જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદી, અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને જૅપનીઝ વડા પ્રધાન ફુમિયો કિશિદાની સાથે સીધી વાતચીત કરશે.
ટોક્યોમાં ૨૪ મેએ યોજાનારી ક્વૉડ સમિટમાં ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં તકો અને પડકારો વિશે ચર્ચા કરવામાં આવશે. વિદેશ સચિવ વિનય કવાત્રાએ જણાવ્યું હતું કે આ સમિટમાં કોરોના પછી રિકવરી, આરોગ્ય સુરક્ષા, ક્લાઇમેટ ઍક્શન, ટકાઉ માળખાગત યોજનાઓ અને યોગ્ય સપ્લાય ચેઇન સર્જવા પર ફોકસ કરવામાં આવશે એવી અપેક્ષા છે.
કવાત્રાએ ચીનનું નામ લીધા વિના એને ટાર્ગેટ કરીને એમ પણ જણાવ્યું હતું કે ‘ક્વૉડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું કો-ઑર્ડિનેશન ગ્રુપ આ ક્ષેત્રમાં ટકાઉ અને ડિમાન્ડ આધારિત માળખાગત સુવિધાઓના નિર્માણમાં એ રીતે મદદ કરે છે કે જેથી આ ક્ષેત્રના દેશો દેવાંની જાળમાં ન ફસાઈ જાય.’
અલ્બનીઝને ઑસ્ટ્રેલિયાની ચૂંટણીના વિનર જાહેર કરવામાં આવ્યા કે તરત જ વડા પ્રધાન મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્કોટ મોરિસનના કાર્યકાળમાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. બીજી એપ્રિલે ભારત અને ઑસ્ટ્રેલિયાએ ફ્રી ટ્રેડ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

national news narendra modi