કોરોના સંક્રમણના કેસમાં ઈટલી અને સ્પેનને પાછળ મુકીને ભારત પાંચમા નંબરે

07 June, 2020 10:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોના સંક્રમણના કેસમાં ઈટલી અને સ્પેનને પાછળ મુકીને ભારત પાંચમા નંબરે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)નું સંક્રમણ ભારતમાં જાણે દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારત દેશ હવે સ્પેન અને ઈટલીને પાછળ મુકીને પાંચમા નંબરે પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,971 નવા કેસ નોંધાયા છે. જ્યારે 287 સંક્રમિત દર્દીઓનું મૃત્યુ થયું છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 2,46,628 થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના 9,887 નવા કેસ નોંધાયા હતા અને 294 લોકોના મોત થયા હતા.

શનિવાર રાત સુધી નોંધાયેલા કેસ બાદ ભારતે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઈટલી અને સ્પેનને પાછળ મુકી દીધું છે. સાથે જ કોરોના સંક્રમિત દેશોની યાદીમાં પ્રથમ પાંચમાં આવી ગયો છે. સંક્રમિતોની બાબતમાં ભારતથી અમેરિકા, બ્રાઝિલ, રૂસ અને બ્રિટન આગળ છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, ભારતમાં કોરોના સંક્રમિતોનો મૃત્યુ દર રૂસ સિવાય અન્ય દેશોની સરખામણીમાં બહુ ઓછો છે. અમેરિકામાં મૃત્યુદર 6 ટકા, બ્રાઝિલમાં 5.4 ટકા, સ્પેનમાં 9.4 ટકા અને બ્રિટન તથા ઈટલીમાં 14 ટકા છે. જ્યારે રૂસમાં મૃત્યુ દર સૌથી ઓછો સવા ટકા છે. ભારતમાં મૃત્યુ દર ત્રણ ટકા કરતા ઓછો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, અત્યારે દેશમાં કોરોનાના 1,20,406 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 6929 દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે અને 1,19,292 લોકો સાજાં થઈ ગયા છે. જેમાંથી એક દર્દી સાજો થઈને વિદેશ પરત ફર્યો છે. એટલું જ નહીં શનિવાર રાત સુધીમાં દેશમાં 45,24,317 નમુનાઓની તપાસ થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં જ 1,37,938 નમુનાઓની તપાસ થઈ છે.

coronavirus covid19 national news india spain brazil united states of america great britain