ચીનને જવાબ આપવા ભારત મિત્ર ઇઝરાયલ પાસેથી રક્ષાકવચ ખરીદશે

29 June, 2020 06:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચીનને જવાબ આપવા ભારત મિત્ર ઇઝરાયલ પાસેથી રક્ષાકવચ ખરીદશે

પ્રતીકાત્મક તસવીર

લદ્દાખમાં પખવાડિયા પહેલાં થયેલી હિંસક ઝડપ બાદ ચીનનો મનસુબો ખરાબ હોવાનું જણાઈ રહ્યું છે. સરહદની બિલકુલ નજીક તેનાં યુદ્ધ વિમાનો ઉડ્ડયન કરતાં જોવા મળી રહ્યાં છે એથી ભારતે પણ જવાનો અને ઍર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી દીધી છે. સાથે જૂના મિત્ર ઇઝરાયલ પાસેથી શક્તિશાળી ‘રક્ષાકવચ’ બરાક-૮ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે.

ચીની ઍરફોર્સની ગતિવિધિને જોતાં ભારતે હાલમાં તો સ્વદેશી આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સરહદે ગોઠવી દીધી છે, પરંતુ જો જરૂર પડશે તો રશિયાની એસ-૪૦૦ અને ઇઝરાયલની બરાક-૮ એલઆરએસએમ મેળવવા માટેની પ્રક્રિયા ભારતે તેજ કરી દીધી છે.

બરાક-૮ એલઆરએસએમને આઇએનએસ વિક્રાંત અને નેવીના કલકત્તા-ક્લાસ ડેસ્ટ્રોયર્સ પર સ્થાપિત કરાશે. અમેરિકા અને રશિયાની સાથે હવે ઇઝરાયલ પણ ભારત માટે શસ્ત્રોનું સૌથી મોટું સપ્લાયર બની ગયું છે, જ્યારે જર્મની વર્જનને ચીન સાથેની સરહદે તહેનાત કરાશે.

ચીન સાથેના તનાવ વચ્ચે ભારત અને જપાનની નૌસેનાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ

ચીન સાથેના તનાવની વચ્ચે ભારત ચીનની દાદાગીરીનો ભોગ બનેલા બીજા દેશો જપાન અને ઑસ્ટ્રેલિયા સાથે સહયોગ વધારી રહ્યું છે.

ભારત અને જપાનની નૌસેનાએ ચીન સાથેના ટકરાવની સ્થિતિમાં હિન્દ મહાસાગરમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. જપાનની નૌસેનાએ ટ્વીટ કર્યું હતું કે ૨૭ જુને જપાનના મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સનાં બે જહાજો કાશિમા અને શીમાયુકીએ ભારતીય નૌસેનાનાં બે યુદ્ધ જહાજો રાણા અને કુલીશ સાથે હિન્દ મહાસાગરમાં અભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસથી બન્ને દેશની નૌસેનાનો એકબીજા સાથેનો સહયોગ અને સમજ વધી છે.

જપાનને પણ દરિયાઈ ટાપુની માલિકીને લઈને ચીન સાથે ટકરાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં દક્ષિણી જાપાન પાસે દરિયામાં ચીનની સબમરિન આંટાફેરા કરી રહી હોવાનું ખબર પડ્યા બાદ જાપાનની નૌસેનાએ ચીની સબમરિનને પોતાની દરિયાઈ સીમાની બહાર ભગાડી મૂકી હતી.

ચીન જે ટાપુ પર દાવો કરી રહ્યું છે તેની માલિકી ૧૯૭૨થી જપાનના હાથમાં છે. આ ટાપુ પર કબજો કરવા માટે ભૂતકાળમાં ચીન લશ્કરી કાર્યવાહી કરવાની ચીમકી આપી ચૂક્યું છે.

ચીન પ્રશાંત મહાસાગરના કિરબાતીમાં મિલિટરી બેઝ બનાવવાની ફિરાકમાં

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના મહામારીની વચ્ચે પણ ચીન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી. જ્યારે તમામ દેશ આ વૈશ્વિક મહામારીના રોકથામમાં વ્યસ્ત છે એ દરમ્યાન ચીને પ્રશાંત મહાસાગરમાં વ્યુહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કિરબાતીમાં પોતાની એમ્બેસીને શરૂ કરી દીધી છે. આ જગ્યા પર પોતાની એમ્બેસીને શરૂ કરવા માટે ચીન એટલી ઉતાવળમાં હતું કે તેણે વાઇરસના સંક્રમણને ખતમ થવાની રાહ પણ જોઈ નહીં.

ચીનની સાથે અમેરિકાનો તણાવ વધે તો પ્રશાંત મહાસાગરમાં સ્થિત અમેરિકાનાં સૈનિકઠેકાણાં મહત્ત્વની ભૂમિકા નીભાવશે. આથી અમેરિકાને પહેલાં જ બ્લૉક કરવા માટે ચીન પ્રશાંત મહાસાગરમાં પોતાનો દબદબો વધારી રહ્યું છે.

national news india china