ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થીઓ ઘૂસી આવે

20 May, 2025 12:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે શ્રીલંકન તામિલની અરજી ફગાવીને કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓ અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. એક કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘ભારતની પોતાની વસ્તી ૧૪૦ કરોડથી પણ વધુ છે તો આવી સ્થિતિમાં શું ભારત દુનિયાભરના શરણાર્થીઓનું સ્વાગત કરી શકે? ભારત ધર્મશાળા નથી. દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં આશ્રય કેમ આપવામાં આવે? અમે ૧૪૦ કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે દરેક જગ્યાએથી શરણાર્થીઓને આશ્રય આપી શકતા નથી.’

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ શ્રીલંકાના એક તામિલ શરણાર્થીની અટકાયતના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને આ વાત કહી હતી.

શ્રીલંકન તામિલ યુવકે મદ્રાસ હાઈ કોર્ટના એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેમાં કહેવાયું હતું કે ૭ વર્ષની સજા પૂરી થયા બાદ તે દેશ છોડીને જતો રહે. આ શ્રીલંકન તામિલ યુવકને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA)ના એક કેસમાં સાત વર્ષની સજા થઈ હતી, પણ સજા પૂરી થઈ જવા છતાં તે ભારતમાં જ રહેવા માગતો હતો. યુવકના વકીલે કહ્યું હતું કે મારો અસીલ વીઝા લઈને ભારત આવ્યો હતો, જો તે હવે પાછો જશે તો તેનો જીવ જોખમમાં મુકાશે.

supreme court india sri lanka new delhi national news news