સિક્કિમ સીમા પર ભારત અને ચીનના લશ્કર વચ્ચે ઘર્ષણ

11 May, 2020 11:02 AM IST  |  New Delhi | Agencies

સિક્કિમ સીમા પર ભારત અને ચીનના લશ્કર વચ્ચે ઘર્ષણ

આર્મી

સિક્કિમને અડીને આવેલી સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થયાના સમાચાર છે. ભારતીય સેનાના સૂત્રોએ કહ્યું કે નોર્થ સિક્કિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝઘડો થયો છે. બન્ને તરફથી ભારે તણાવ અને બોલાચાલી થઈ છે. આ ઘટનામાં બન્ને બાજુના સૈનિકોને મામૂલી ઈજા પણ પહોંચી છે. સેનાના સૂત્રોએ કહ્યું કે સરહદ વિવાદના લીધે સૈનિકોની વચ્ચે આવા નાના-મોટા વિવાદ થતા રહે છે. સૂત્રોનું માનીએ તો લાંબા સમય બાદ નોર્થ સિક્કિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે આવો તણાવ જોવા મળ્યો છે, જ્યારે પણ આવો કોઈ વિવાદ થાય છે તો નક્કી પ્રોટોકોલના મતે બન્ને સેનાઓ તેને ઉકેલી લે છે.

આની પહેલાં ૨૦૧૭માં બન્ને દેશોની વચ્ચે સિક્કિમ વિસ્તારમાં ભીષણ તણાવ જોવા મળ્યો હતો, ત્યારે એટલો વધી ગયો હતો કે ભારતના ટોચના સૈન્ય ઑફિસરોએ કેટલાય દિવસ સુધી આ વિસ્તારમાં કેમ્પિંગ કર્યું. આ અધિકારીઓમાં ૧૭મા ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ પણ સામેલ હતા. બન્ને દેશોના સૈનિકોની વચ્ચે ધક્કામુક્કીની ઘટના બાદ વિદેશ મંત્રાલય અને દિલ્હી સ્થિત સૈન્ય હેડ-ક્વાર્ટર્સ સુધી હલચલ રહી.

વાત એમ છે કે ચીની સેના આ વિસ્તારમાં રસ્તો બનાવવાનું કામ કરવાની કોશિશ કરી રહ્યું છે. ચીન પહેલાં જ ખૂબ જ અગત્યના મનાતા ચુંબી ઘાટી વિસ્તારમાં રસ્તો બનાવી ચૂકયું છે. જેનું તે વધુ વિસ્તરણ કરવાની કોશિશ કરી રહ્યું છે. આ રસ્તો ભારતના સિલિગુડી કોરિડોર કે કથિત ‘ચિકન નેક’ વિસ્તારથી અંદાજે પાંચ કિલોમીટર દૂર છે. આ સિલિગુડી કોરિડોરથી ભારતને નોર્થ ઈસ્ટના રાજ્યો સાથે જોડે છે. તેના લીધે ભારતીય સૈનિકો અને ચીની સેનાની વચ્ચે મોટાભાગે ટકરાવ થતો રહે છે. ૨૦૧૭ની સાલમાં પણ ટકરાવની એવી સ્થિતિ સર્જાઈ હતી કે જવાનોને વિવાદાસ્પદ વિસ્તારમાં નિર્માણકાર્ય કરતા ભારતીય સેનાઅે રોકી દીધી હતી.

sikkim india china national news indian army