ઉત્તરાખંડની ચૂંટણીમાં આ વોટર્સ હેલિકોપ્ટર્સમાં વોટ આપવા જશે

13 January, 2022 11:23 AM IST  |  Dehradoon | Agency

ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૪ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી થશે અને એનાં રિઝલ્ટ્સ ૧૦ માર્ચે જાહેર કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

દેહરાદૂન (એ.એન.આઇ.) : ભારત અને ચીનની સીમા પર રોડ કન્સ્ટ્રક્શનની કામગીરી કરી રહેલા શ્રમિકોને ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે હેલિકૉપ્ટર્સમાં મતદાન કેન્દ્રો સુધી લઈ જવામાં આવશે. ભારે બરફવર્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બૉર્ડર્સ રોડ ઑર્ગેનાઇઝેશને આ નિર્ણય કર્યો છે. 
બૉર્ડર્સ રોડ ઑર્ગેનાઇઝેશનના ડેપ્યુટી કમાન્ડિંગ ઑફિસર કે. સિલ્વાએ જણાવ્યું હતું કે ‘અમે ઊંચાણવાળા વિસ્તારોમાં કામ કરી રહેલા લોકો માટે હેલિકૉપ્ટરની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. અમારા રેકૉર્ડ અનુસાર અત્યાર સુધીમાં આવા ૧૦૦ લોકો છે કે જેમને આ સુવિધા પૂરી પાડવામાં આવશે. જો આ સંખ્યા વધશે તો પણ અમે વધુ લોકોને આ સુવિધા પૂરી પાડીશું.’
પિથોરાગઢ જિલ્લાના મુનસ્યારીમાં ૩૪૦૦ મીટરની ઊંચાઈ પર ચીનની બૉર્ડરને મિલમ-લાસ્પાની સાથે જોડતા રોડના બાંધકામમાં મોટી સંખ્યામાં શ્રમિકો સંકળાયા છે. પિથોરાગઢના મુનસ્યારી ગામ અને એની આસપાસના વિસ્તારોમાં છ ફુટ સુધીની બરફવર્ષા થઈ છે. 
ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૪ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી થશે અને એનાં રિઝલ્ટ્સ ૧૦ માર્ચે જાહેર કરવામાં આવશે.

national news uttarakhand