દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 299 કેસ આવ્યા

19 May, 2020 09:09 AM IST  |  New Delhi | Agencies

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 299 કેસ આવ્યા

જરા છૂટ મળી ત્યાં થયો ટ્રાફિક જામ : લૉકડાઉન ત્રીજા તબક્કાનો રવિવારે અંત આવી ગયો છે અને ચોથા તબક્કાની ગઈ કાલે શરૂઆત થઈ છે ત્યારે નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જબરજસ્ત ટ્રાફિક થઈ ગયો હતો. તસવીર : પી.ટી.આઈ.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પ્રકોપથી બચવા ભારતમાં આજથી લૉકડાઉન-૪નો આરંભ થઈ ગયો છે ત્યારે સત્તાવાર આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દેશમાં કોરોના પૉઝિટિવના અત્યાર સુધીમાં સૌથી વધુ ૫૨૪૨ કેસ બહાર આવ્યા હતા અને ૧૫૭ લોકો કોરોનાથી માર્યા ગયા છે. એ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૬,૧૩૭એ પહોંચી છે અને ૩૦૩૯ લોકોનાં મોત થયાં છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો ૩૩,૦૦૦ને પાર થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસ-કર્મચારીઓની સંખ્યા ૧૨૭૩એ પહોંચી છે. તો બીજા નંબરે રહેલા ગુજરાતમાં ૧૧,૩૮૦ લોકો કોરોનાથી સંક્રમિત છે. રવિવારે દેશમાં સૌથી વધારે ૫૦૧૫ સંક્રમિત મળ્યા હતા તો બીજી તરફ ૨૫૩૮ લોકો સારવાર બાદ સાજા પણ થયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૨૩૪૭ લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં હવે કોરોના દરદીઓની સંખ્યા ૩૩,૦૦૦ને પાર થઈ ગઈ છે.

સૂત્રોએ કહ્યું કે ૨૫ માર્ચના રોજ લાગુ કરાયેલા પ્રથમ લૉકડાઉન બાદ એમાં સતત વધારો કરીને હવે લૉકડાઉન-૪નો આજથી પ્રારંભ થયો છે જે ૩૧ મે સુધી અમલમાં રહેશે. લૉકડાઉન-૪માં કેન્દ્ર સરકારે રાજ્યોને લૉકડાઉનમાં છૂટછાટ આપવાની સત્તા આપી છે. લૉકડાઉન ૪.૦ વચ્ચે પંજાબ સરકારે ટૅક્સી-કૅબને મંજૂરી આપી છે જેમાં માત્ર બે યાત્રિઓ જ બેસી શકશે.

દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૨૯૯ કેસ આવ્યા અને ૨૮૩ દરદી રિકવર થયા છે. એ જ રીતે રાજસ્થાનમાં ૧૪૦ નવા કોરોના પૉઝિટિવ કેસ બહાર આવ્યા હતા અને બે દરદીનાં મોત થયાં છે અને ૫૩૪૨ થઈ કુલ દરદીની સંખ્યા. ૨૬૬૬ દરદી રિકવર થયા છે.

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનમાં તહેનાત એક એસીપીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમની ઉંમર ૫૮ વર્ષ છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં પોલીસલાઇનમાં રહેતો હતો. ૧૩ મેના રોજ એસીપી સહિત પાંચ પોલીસ-કર્મચારીઓની કોરોના ટેસ્ટ કરાઈ હતી. ત્યાર બાદથી જ તમામ પોલીસ-કર્મચારીઓ ક્વૉરન્ટીનમાં હતા.

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઇરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે એક પછી એક રેકૉર્ડ કેસ સામે આવી રહ્યા છે. એના લીધે દેશમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ઝડપથી ૧ લાખની સપાટી તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં લૉકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ બધું જ થઈ રહ્યું છે, પરંતુ કોરોના વાઇરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. એનું એક મોટું કારણ લૉકડાઉન ૩.૦માં આપવામાં આવેલી છૂટછાટ હોઈ શકે છે.

તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ ૩૧ મે સુધી સ્થગિત કરાઈ

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસને કારણે લૉકડાઉન વધારવાની જાહેરાતના થોડા કલાકો બાદ ભારતીય ઉડ્ડયન નિયમનકાર ડી.જી.સી.એ જણાવ્યું હતું કે તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ ૩૧ મેના મધ્ય રાત્રિ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયનના મહાનિર્દેશકે જણાવ્યું હતું કે આગામી સમયમાં વિદેશી અને સ્થાનિક ઍરલાઇન્સને ફ્લાઇટ શરૂ કરવા વિશે માહિતી આપવામાં આવશે. નિયામકે કહ્યું કે તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સુનિશ્ચિત બિઝનેસ ટ્રાવેલર વિમાનનું સંચાલન ૩૧ મેના રોજ રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે ડીજીસીએ દ્વારા મંજૂર કરવામાં આવેલાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનોના સંચાલન પર પ્રતિબંધ માન્ય નથી.

new delhi national news coronavirus covid19 lockdown punjab amritsar