લખીમપુર મામલે અજય મિશ્રાના રાજીનામાની માગણી સાથે કૉંગ્રેસ પહોંચી રાષ્ટ્રપતિ પાસે

14 October, 2021 11:58 AM IST  |  New Delhi | Agency

રાહુલ અને પ્રિયંકા સહિતનું કૉન્ગ્રેસી પ્રતિનિધિમંડળ કોવિંદને મળ્યું અને આખા પ્રકરણની સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તપાસની પણ ડિમાન્ડ કરી : ગાંધી નબીરાઓ સાથે એન્ટની, આઝાદ અને ખડગે પણ હતા

લખીમપુર હિંસાના આરોપીના પિતા અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માગણી સાથે કાૅન્ગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધા વાડ્રા સહિતનાં નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગઈ કાલે મળ્યા હતા. પી.ટી.આઈ.

લખીમપુર હિંસા મામલે કૉન્ગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. કૉન્ગ્રેસી પ્રતિનિધિઓમાં ભૂતપૂર્વ પક્ષપ્રમુખ રાહુલ ગાંધી અને જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી-વાડ્રા પણ હતાં. રાષ્ટ્રપતિ પાસે તેમણે લખીમપુર હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાને તાત્કાલિક બરતરફ કરવાની માગણી કરી છે. ઉપરાંત આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય તે માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે તેવી પણ માગણી કરી છે. કૉન્ગ્રેસી પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિને લખીમપુર હિંસા કેસ સંબંધિત હકીકતોની યાદી પણ આપી હતી.
રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પછી રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ સુધી એ વાત પહોંચાડી છે કે લખીમપુર હિંસાના કેસમાં નિષ્પક્ષ તપાસ થઈ શકે તે માટે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેમનો પુત્ર પોતે આ કેસમાં આરોપી છે.
લખીમપુર ખેરીમાં ૩ ઑક્ટોબરે ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂત સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાનું આરોપી તરીકે નામ છે. ગત શનિવારે પોલીસે તેની ધરપકડ કરી છે.
રાષ્ટ્રપતિને મળવા ગયેલા કૉન્ગ્રેસી પ્રતિનિધિમંડળમાં એ. કે. એન્ટની, ગુલામનબી આઝાદ અને મલિક્કાર્જુન ખડગે વગેરે નેતાઓ પણ સામેલ હતા. 

​ચિલમજીવી યોગી ક્યારેય અજય મિશ્રાના દીકરા સામે પગલાં નહીં જ લે : અખિલેશ

સત્તાધારી બીજેપી પર ચાબખા મારતાં સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાનનો પુત્ર આરોપી હોવા છતાં બીજેપી ક્યારેય તેમની વિરુદ્ધ પગલાં નહીં ભરે. અખિલેશ યાદવે આજે તેમની વિજયરથ યાત્રામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ પર પરોક્ષ પ્રહાર કરતાં તેમને ​ચિલમજીવી કહ્યા હતા. તેમણે રખડતાં ઢોરો-બુલ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘આદિત્યનાથને બુલ અને બુલડોઝર એ બે વસ્તુઓ ગમે છે, પણ બુંદેલખંડની જનતાએ હવે નક્કી કરી લીધું છે કે આવતા વરસની ચૂંટણીમાં બુલડોઝરનું સ્ટીયરિંગ ઝૂંટવીને તેઓ પોતાના હાથમાં લઈ લેશે.’ પરવાનગી વગર બનેલાં બિલ્ડિંગો પાડી નાખવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય વિશે બોલતાં અખિલેશે કહ્યું હતું કે જનતા આવતા વરસે બીજેપી પર મતોનું બુલડોઝર ફેરવી નાખશે.
બીજેપી પર પ્રહાર કરતાં અખિલેશે એવું પણ કહ્યું હતું કે તેઓ પોતે ગુનેગારો સાથે મળેલા છે. અત્યારની સ્થિતિમાં ગુનેગારો સૌથી વધારે રાજી છે.

national news rahul gandhi priyanka gandhi yogi adityanath uttar pradesh congress