માત્ર બે વીકમાં સ્પાઇસજેટની પાંચ ફ્લાઇટ્સ પર સંકટ તોળાયું

03 July, 2022 01:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૫૦૦૦ ફુટની ઊંચાઈએ કૅબિનમાં ધુમાડો, પ્લેનને દિલ્હી ઍરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું

માત્ર બે વીકમાં સ્પાઇસજેટની પાંચ ફ્લાઇટ્સ પર સંકટ તોળાયું

સ્પાઇસજેટના વધુ એક પ્લેનને લઈને મોટી દુર્ઘટના ટળી હતી. ગઈ કાલે સવારે દિલ્હી-જબલપુર ફ્લાઇટે દિલ્હી ઍરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું. આ પ્લેન ૫૦૦૦ ફુટની ઊંચાઈએ હતું ત્યારે કૅબિન-ક્રૂએ કૅબિનમાં ધુમાડો જોયો હતો.
સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે દિલ્હીથી જબલપુર જતું સ્પાઇસજેટનું પ્લેન ૫૦૦૦ ફુટની ઊંચાઈએથી પસાર થતું હતું ત્યારે ક્રૂએ કૅબિનમાં ધુમાડો નોટિસ કર્યો હતો, જેના પછી આ પ્લેનને સુરક્ષિત રીતે દિલ્હી ઍરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું. મુસાફરોને સુરક્ષિત રીતે પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા.’
ડીજીસીએના અધિકારીઓએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે આ પ્લેનના એક એન્જિનમાં ઑઇલ લીકેજ હતું, જે પ્લેનમાં ધુમાડા માટેનું કારણ હોવાની શક્યતા છે.
આ ફ્લાઇટના પૅસેન્જર સૌરભ છાબરાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘પૅસેન્જર્સ ગભરાવા લાગ્યા ત્યારે તેમણે પ્લેનને પાછું દિલ્હી લૅન્ડ કર્યું. પ્લેનમાં આગ લાગી હતી. સદ્નસીબે અમે સેફ છીએ, પરંતુ બીજી ફ્લાઇટ માટે રાહ જોઈએ છીએ. તેમની પાસે બૅક-અપ નથી.’

આ ઘટનાઓની તપાસ થઈ રહી છે

સ્પાઇસજેટના પ્લેનને લઈને બે અઠવાડિયાંમાં પાંચમી આવી ઘટના બની છે. એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન આ તમામ પાંચેય ઘટનાની તપાસ કરી રહી છે.
૧) ૧૯ જૂન
૧૮૫ પૅસેન્જર્સને લઈને દિલ્હી જતી સ્પાઇસજેટની ફ્લાઇટે પટના ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ એના એક એન્જિનમાં આગ લાગી હતી. એની થોડીક જ મિનિટ્સમાં આ પ્લેનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. પક્ષી ટકરાવાના કારણે આ પ્લેનના એન્જિનને અસર થઈ હતી.
૨) ૧૯ જૂન
જબલપુર જતી ફ્લાઇટે કૅબિન પ્રેસરાઇઝેશનની સમસ્યાના કારણે દિલ્હી પાછા ફરવું
પડ્યું હતું.
૩) ૨૪ જૂન
સ્પાઇસજેટનું ક્યૂ૪૦૦ પ્લેન ગુવાહાટીથી કલકત્તા જઈ રહ્યું હતું ત્યારે પ્લેનના રિયર ઍન્ડમાં બૅગેજ ડોરમાંથી વૉર્નિંગ સાઇન મળી હતી. પાઇલટ્સે ગુવાહાટી પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
૪) ૨૫ જૂન
પટના ઍરપોર્ટ પર સ્પાઇસજેટના પ્લેનનું ટેક-ઑફ અટકાવવામાં આવ્યું હતું. આ કેસમાં પણ રિયર ઍન્ડમાં બૅગેજ ડોરમાંથી વૉર્નિંગ સાઇન મળી હતી.
આ પ્લેનને પટના ઍરપોર્ટના પાર્કિંગ-બેમાં પાછું લાવવામાં આવ્યું હતું. 

national news spicejet new delhi