આઠ મહિનામાં છ કાશ્મીરી પંડિત અને એક હિન્દુ રાજપૂતને ગોળી મારવામાં આવી

15 May, 2022 08:36 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

કાશ્મીરી પંડિત રાહુલની હત્યાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી

રાહુલ ભટને ન્યાય અપાવવાની માગણી સાથે ગઈ કાલે શ્રીનગરમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓ.

કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યાનો જમ્મુ-કાશ્મીરમાં ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. હકીકત એ છે કે છેલ્લા આઠ મહિનામાં કાશ્મીરમાં ઓછામાં ઓછા છ કાશ્મીરી પંડિત અને એક હિન્દુ રાજપૂતને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા છે, જેમાંથી ચારનાં મોત થયાં છે.

ઑક્ટોબર ૨૦૨૧માં કાશ્મીરમાં પાંચ દિવસમાં સાત નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં એક સિખ મહિલા શિક્ષક અને એક કાશ્મીરી પંડિત મહિલા શિક્ષક સિવાય કાશ્મીરના એક જાણીતા કેમિસ્ટ માખનલાલ બિન્દ્રુ પણ સામેલ હતા. ઑગસ્ટ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૨ સુધીમાં ૧૪ કાશ્મીરી પંડિતો, હિન્દુઓ અને બિનકાશ્મીરી મજૂરોને આતંકવાદીઓએ ગોળી મારી હતી. ઑગસ્ટ ૨૦૧૯માં રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદથી આ પ્રકારના આતંકવાદી હુમલાઓનું પ્રમાણ વધ્યું છે.

૧૯૯૦ના દસકમાં કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતું, જેના પછી તેઓ દેશના જુદા-જુદા વિસ્તારોમાં વસી ગયા હતા. કાશ્મીરમાં અત્યારે લગભગ ૯૦૦૦ પંડિતો રહે છે. રાહુલ ભટની હત્યા બાદ રાજકારણીઓ સવાલ કરી રહ્યા છે કે ભારત સરકાર અનુસાર કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે તો પછી આ હત્યાઓ કોણ કરી રહ્યું છે.

રાહુલની હત્યાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી

કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યાના વિરોધમાં શુક્રવારની જેમ ગઈ કાલે પણ કાશ્મીરમાં ભારે દેખાવો થયા હતા. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં વીરવાન ટ્રાન્ઝિસ્ટ કૅમ્પ ખાતે ધરણાં પર બેઠેલા કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓએ જમ્મુમાં તેમના સ્થળાંતર માટે માગણી કરી હતી. વિરોધ-પ્રદર્શન કરી રહેલા પંડિત કર્મચારીઓ અને પોલીસની વચ્ચે આ એરિયામાં ઘર્ષણ થયું હતું. રાહુલની હત્યાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. આતંકવાદીઓએ ગુરુવારે બપોરે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં રેવેન્યુ ડિપાર્ટમેન્ટના કર્મચારી કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા કરી હતી. આ હત્યામાં સંડોવાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ઠાર મારવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર સરકારે રાહુલ ભટની પત્નીને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ પરિવારને નાણાકીય સહાય આપવાની અને રાહુલની દીકરીનો ભણવાનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. 

national news kashmir jammu and kashmir