પુલવામા મામલે પુરાવા આપો, કાર્યવાહીની જવાબદારી મારીઃઈમરાન ખાન

19 February, 2019 05:38 PM IST  | 

પુલવામા મામલે પુરાવા આપો, કાર્યવાહીની જવાબદારી મારીઃઈમરાન ખાન

ઈમરાનની આડકતરી ધમકી

પુલવામા હુમલા મામલે આખરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. પોતાના નિવેદન દરમિયાન ઈમરાન ખાને આડકતરી રીતે યુદ્ધની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું કે જો અમારા પર હુમલો થશે તો પાકિસ્તાન પણ જવાબ આપશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે હિન્દુસ્તાનની સરકાર પુલવામા હુમલા મામલે કોઈ પણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહી છે. અમે એટલા માટે પહેલા જવાબ ન આપ્યો કારણ કે સાઉદી પ્રિન્સના પ્રવાસ પર અમારું ધ્યાન હતું. હવે જ્યારે ક્રાઉન પ્રિન્સ પાછા ફર્યા છે, ત્યારે હું જવાબ આપી રહ્યો છું.

તપાસ માટે તૈયાર

તેમણે કહ્યું કે હિન્દુસ્તાનની સરકારે કોઈ પણ પુરાવા વગર આરોપ લગાવી દીધા છે. પાકિસ્તાન આવો હુમલો કેમ કરે, એમાં અમારો શું ફાયદો છે ? જો ભારત સરકાર પુરાવા આપશે તો અમે આ કેસની તપાસ માટે તૈયાર છીએ. પોતાના નિવેદનમાં ઈમરાન ખાને કહ્યું કે પાછલા 15 વર્ષથી અમે આતંકવાદ સામે લડી રહ્યા છીએ. આમાં અમારો કોઈ ફાયદો નથી. જ્યારે જ્યારે કાશ્મીરમાં કંઈક થાય તો આરોપ પાકિસ્તાન પર લાગે છે.

ઈમરાને કહ્યું કે જો હિન્દુસ્તાન તપાસ કરાવવા ઈચ્છે છે, તો અમે તપાસ માટે તૈયાર છીએ. અમે આતંકવાદ મામલે વાતચીત કરવા તૈયાર છીએ, અમે પણ તેનો ખાત્મો જ ઈચ્છીએ છીએ. પાકિસ્તાનને પણ આતંકવાદને કારણે ખાસ્સુ નુક્સાન થયું છે.

સેનાથી નહીં આવે કાશ્મીરનો ઉકેલ

તો ઈમરાન ખાને પણ કાશ્મીર મામલે પણ નિવેદન આપ્યું. ઈમરાન ખાને કહ્યું કે કાશ્મીરના યુવાનોને મોતનો ડર નથી રહ્યો. જો અફ્ઘાનિસ્તાન મામલે એ નક્કી થઈ ચૂક્યુ છે કે સૈન્ય એ ઉપાય નથી તો હિન્દુસ્તાનમાં પણ કાશ્મીરને લઈ વાતચીત જરૂરી છે.

'હુમલો કર્યો તો જવાબ મળશે'

ઈમરાન ખાને કહ્યું કે હિન્દુસ્તાનના લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને પાઠ ભણાવો. કોઈ પણ કાયદો કોઈને જજ બનવાની પરવાનગી નથી આપતો. ચૂંટણી આવે છે એટલે તમે આવી વાતો કરી રહ્યા છો. જો તમે એમ વિચારો છો કે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ તો અમે પણ જવાબ આપવા માટે તૈયાર છીએ.

યુદ્ધ શરૂ કરવું સહેલું છે, પરંતુ તેને અટકાવવું મુશ્કેલ છે. ઈમરાન ખાને કહ્યું કે બંને દેશો વચ્ચે જે મુશ્કેલી છે, તે ફક્ત વાતચીતથી જ ઉકેલાઈ શકે છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ આપી ચેતવણી : પાકિસ્તાન પોતાની જમીન પર આતંકી પ્રવૃતિઓ બંધ કરે

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાને પાકિસ્તાનમાં બેઠેલા જૈશ એ મોહમ્મદના આતંકીઓએ અંજામ આપ્યો હતો. આ મામલે ભારત પાકિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યું છે. બસ એટલે જ પાકિસ્તાન ઉકળી ઉઠ્યું છે.

 

national news imran khan pulwama district