લોન રીપેમેન્ટ વિશે સર્વોચ્ચ અદાલતનો મહત્ત્વનો નિર્દેશ

04 September, 2020 07:43 PM IST  |  New Delhi | Agencies

લોન રીપેમેન્ટ વિશે સર્વોચ્ચ અદાલતનો મહત્ત્વનો નિર્દેશ

સુપ્રિમ કોર્ટ

ગ્રાહકના બૅન્ક અકાઉન્ટને સ્થગિત કરવાની મુદત લંબાવવાની અરજીનો નિકાલ ન આવે ત્યાર સુધી બૅન્ક મૅનેજમેન્ટ એ અકાઉન્ટને નૉન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર ન કરી શકે એવો નિર્દેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. કોરોના રોગચાળાને કારણે લોન પાછી ચૂકવવા પરના સ્થગન આદેશની મુદત લંબાવવા અને લોન પરનું વ્યાજ માફ કરવાની માગણી કરતી બે અરજીઓની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતની અશોક ભૂષણના વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ‘બૅન્કિંગ સેક્ટર અર્થતંત્રની કરોડરજ્જુ છે. સરકાર અર્થતંત્ર નબળું પડે એવો કોઈ નિર્ણય ન લઈ શકે. સરકારે ધિરાણો પરનું વ્યાજ માફ નહીં કરવા અને પેમેન્ટનું દબાણ ઘટાડવાના નિર્ણયો લીધા છે.’

બે અરજદારોમાંથી એક ઍડ્વોકેટ વિશાલ તિવારીએ અદાલતને પૂછ્યું હતું કે લોન લેનારાઓને 31 ઑગસ્ટ પછી રીપેમેન્ટના રીશેડ્યુલિંગ અને રીસ્ટ્રક્ચરિંગ માટે બૅન્કોમાં જવા માટે 1 નવેમ્બર સુધી ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે કે નહીં એ બાબતની સ્પષ્ટતા માગી હતી. લોનના હપ્તા મોકૂફ રાખવામાં આવશે કે નહીં અને લોન સમયસર ન ચૂકવી શકાય તો પગલાં ન લેવાય એવી જોગવાઈ કરવામાં આવશે કે નહીં એવા સવાલો પણ વિશાલ તિવારીએ પૂછ્યા હતા. સર્વોચ્ચ અદાલતની બેન્ચે આ કેસમાં તમામ સંબંધિત પક્ષોની દલીલો સાંભળીને આ કેસમાં તમામ અરજીઓનો નિકાલ ન આવે ત્યાં સુધી સંબંધિત બૅન્ક અકાઉન્ટ્સને NPA જાહેર નહીં કરવાનો આદેશ આપ્યો હતો.

નાણાપ્રધાને બૅન્કોને લોન રેઝોલ્યુશન સ્કીમ રજૂ કરવા જણાવ્યું

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે બૅન્કોને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં લોન રેઝોલ્યુશન સ્કીમ શરૂ કરવા જણાવ્યું હતું અને કોવિડ-19 સંબંધિત સમસ્યા બોરોઅર્સની સાખની તેમની આકારણી પર અસર ન ઊપજાવે એની તાકીદ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે બૅન્કોએ તાત્કાલિક ધોરણે બોર્ડ દ્વારા મંજૂરીપ્રાપ્ત નીતિઓ રજૂ કરવી જોઈએ, લાયકાત ધરાવતા બોરોઅર્સની ઓળખ કરીને તેમના સુધી પહોંચવું જોઈએ.

supreme court national news