વિપક્ષ સત્તામાં આવશે તો ૩૭૦ કલમ ફરી લાગુ કરશે : મોદી

24 October, 2020 03:07 PM IST  |  Mumbai | Agencies

વિપક્ષ સત્તામાં આવશે તો ૩૭૦ કલમ ફરી લાગુ કરશે : મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારની ચૂંટણી માટે ત્રણ જગ્યાએ રૅલી યોજી હતી. આ રૅલીમાં પીએમ મોદીએ માત્ર વિપક્ષ પર જ જોરદાર હુમલો નહોતો કર્યો, પરંતુ તેમણે વિપક્ષી નેતાની પ્રશંસા કરીને આરજેડીથી નારાજ મતોને એનડીએમાં લાવવા માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે.
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં રામવિલાસ પાસવાનની પ્રશંસા કરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. પરંતુ આ સમગ્ર ભાષણમાં તેમણે ચિરાગ પાસવાન અથવા એલજેપી વિશે કે તેની વિરુદ્ધ કંઈ કહ્યું નહીં. આવી સ્થિતિમાં ચિરાગને લઈને બીજેપીના વલણ અંગે મૂંઝવણ અકબંધ જ છે.
રામવિલાસની સાથે પીએમ મોદીએ રઘુવંશ પ્રસાદ સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, બિહાર તેના બે સપૂતોને ગુમાવી ચૂક્યો છે... પહેલા તેમને કે જેઓએ અહીં દાયકાઓ સુધી લોકોની સેવા કરી હતી, રામવિલાસ પાસવાન... તેઓ છેલ્લા શ્વાસ સુધી મારી સાથે હતા. રઘુવંશ પ્રસાદ સિંહે ગરીબોના ઉત્થાન માટે સતત પ્રયાસ કર્યા. હું તેમને પણ શ્રદ્ધાંજલિ આપું છું.
પીએમ મોદીએ આ દરમ્યાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો દેશ વર્ષોથી રાહ જોતો હતો. આ નિર્ણય અમે લીધો, એનડીએ સરકારે લીધો પરંતુ આજે આ લોકો આ નિર્ણયને પલટવાની વાતો કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ કહે છે કે સત્તામાં આવીશું તો આર્ટિકલ ૩૭૦ ફરી લાગુ કરીશું. આ લોકોને તમારી જરૂરિયાતની જરાય પડી નથી. તેમનું ધ્યાન તમારા પોતાના સ્વાર્થ પર, પોતાની તિજોરી પર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના વિરોધી પક્ષ, જેમાં ખાસ કરીને આરજેડી પર નિશાન સાધતા કહ્યું હતું કે બિહારના લોકો તે દિવસોને ભૂલી શકતા નથી જ્યારે સૂર્યાસ્તનો મતલબ બધું બંધ થઈ જવાનો હતો. આજે વીજળી છે, રસ્તાઓ છે, લાઈટો છે અને સૌથી મોટી બાબત એવો માહોલ છે જેમાં રાજ્યના સામાન્ય નાગરિકો ડર વગર રહી અને જીવી શકે છે. જે લોકોએ સરકારી નિમણૂક માટે બિહારના યુવાનો પાસેથી લાખોની લાંચ લીધી છે તેઓ ફરીથી બિહારને લાલચી નજરોથી જોઈ રહ્યા છે. આજે બિહારમાં પેઢી ભલે બદલાઈ ગઈ હોય પરંતુ બિહારના યુવાનોએ એ યાદ રાખવાનું છે કે બિહારને આટલી મુશ્કેલીમાં મૂકનારા કોણ હતા?
પીએમ મોદીએ કહ્યું કે બિહાર હવે વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, હવે કોઈ પણ બિહારને બીમાર, લાચાર રાજ્ય ન કહી શકે. લાલ ટેનનો સમય ગયો.

મોદીએ સ્થળાંતરી મજૂરોને બેસહારા છોડ્યા : રાહુલ ગાંધી

બિહાર ચૂંટણીમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે મોદી પર પ્રહાર કર્યા

હિસુઆ : (જી.એન.એસ.) બિહારના ચૂંટણી મેદાનમાં હવે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું છે. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવે ગઈ કાલે બિહારના નવાદામાં ચૂંટણી રૅલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ ચીને કરેલા અતિક્રમણ અને પ્રવાસી મજૂરોનો મુદ્દો ઉઠાવ્યો તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું. રાહુલની બિહાર ચૂંટણી સંદર્ભે આ પહેલી રૅલી હતી.
રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆતમાં લોકોને પૂછ્યું હતું કે નીતીશજીની સરકાર તમને કેવી લાગી? મોદીજીનું ભાષણ કેવું લાગ્યું? તેમણે કહ્યું કે જ્યારે બિહારના યુવા સૈનિકો શહીદ થયા, તે દિવસે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ શું કહ્યું અને શું કર્યું? સવાલ એ છે. લદ્દાખ હું ગયો છું. લદ્દાખમાં હિન્દુસ્તાનની સરહદ પર બિહારના યુવાઓ પોતાનું લોહી-પાણી એક કરીને જમીનની રક્ષા કરે છે. ચીને આપણા ૨૦ જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબજો જમાવ્યો, પણ વડા પ્રધાને ખોટું બોલીને હિન્દુસ્તાનની સેનાનું અપમાન કર્યું. પીએમ મોદીએ ખોટું કહ્યું કે ચીનના સૈનિકો દેશમાં ઘૂસ્યા નથી. તમે માથું ઝુકાવીને વાત ન કરો, એ જણાવો કે ચીની સૈનિકોને ક્યારે બહાર ફેંકશો. તમે બિહારમાં આવીને ખોટું ન બોલો.
રાહુલ ગાંધીએ પ્રહારો યથાવત્ રાખતા કહ્યું હતું કે પીએમ મોદીએ ગત વખતે કહ્યું હતું કે ૨ કરોડ લોકોને રોજગાર મળશે, પરંતુ શું મળ્યું - શૂન્ય, આવે છે અને કહે છે ખેડૂતો, મજૂરો, સેનાઓ અને નાના વેપારીઓ સામે માથું નમાવું છું, પરંતુ ઘરે જઈને અંબાણી અને અદાણી માટે કામ કરે છે. ભાષણ તમને આપશે. માથું નમાવશે તમારી સામે, પણ કામ કરવાનો સમય આવશે ત્યારે કામ કોઈ બીજા માટે કરશે. નોટબંધી કરી પરંતુ બૅન્ક સામે તમે ઊભા રહ્યા. તમારા પૈસા ક્યાં ગયા? હિન્દુસ્તાનના સૌથી અમીર લોકોના ખિસ્સામાં.

narendra modi national news