04 October, 2026 09:15 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
આશ્રમ તરફ જતા રસ્તા પર વાહનોની અને આશ્રમમાં ભક્તોની ભીડ.
ઉત્તરાખંડના કૈંચી ધામમાં ગાંધી જયંતી વીક-એન્ડમાં પ્રવાસીઓનો અને ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને સવારે ૪ વાગ્યાથી ભાવિકોની લાંબી લાઇનો લાગતાં હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રહેતા નીમ કરોલી બાબાના ભાવિકો કૈંચી ધામ મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચતાં મંદિર પરિસરથી લઈને હાઇવે સુધી ભારે ભીડ જોવા મળી હતી. ત્રણથી ૪ કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. ૩ દિવસની રજા અને તાજેતરમાં ફિલ્મ ‘હનુમાન અંશ’ની રિલીઝ બાદ નીમ કરોલી બાબા વિશે વધેલી રુચિને કારણે શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ભવાલી-કૈંચી ધામ હાઇવે અને અલ્મોડા-હલ્દવાની હાઇવે પર ત્રણથી ૪ કિલોમીટરનો જૅમ જોવા મળ્યો હતો. આ ભીડને કારણે ઉત્તરાખંડનાં ઘણાં ટૂરિસ્ટ-સ્થળો પર ભીડમાં પણ વધારો થયો હતો. અલ્મોડા, પિથોરાગઢ અને રાનીખેત જનારા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભાવિકોમાં પંદરથી ૩૦ વર્ષની વયના યુવાનોની સંખ્યા સૌથી વધારે જોવા મળી હતી.