12 July, 2023 09:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પટિયાલામાં ગઈ કાલે ભારે વરસાદ બાદ બડી નદીમાં જળસ્તર વધ્યા બાદ એક પૂરગ્રસ્ત રેસિડેન્શિયલ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી રહેલા ઇન્ડિયન આર્મીના જવાનો.
દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત અત્યારે જળબંબાકાર છે. મેદાનોથી લઈને પહાડી વિસ્તારો સુધી આકાશમાંથી પાયમાલીની જેમ વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ભારતમાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યા બાદ થયેલા આ વિનાશ બાદ વધુ ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા આર્મી અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની અનેક ટીમ તહેનાત કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્હીમાં યમુના અને હરિયાણામાં સતલજ તથા ઘગ્ગર નદીઓમાં જળસ્તર વધવાને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે.
દિલ્હીમાં ગઈ કાલે યમુના નદીના જળસ્તરમાં ચિંતાજનક રીતે વધારો થવાને કારણે આ નદીની નિકટ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોનાં સ્થળાંતર કરવામાં આવ્યાં છે. હજારો લોકોને સુરક્ષિત સ્થાનોએ ઊભા કરવામાં આવેલા રિલીફ કૅમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારે જણાવ્યું કે આ લોકોને ભોજન અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યાં છે. અસરગ્રસ્તો માટે ૨૭૦૦થી વધારે ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે.
યમુનાનો જળસ્તર સોમવારે સાંજે ૨૦૫.૩૩ મીટર હતો, જે ગઈ કાલે વધીને ૨૦૬.૬૪ મીટરે પહોંચ્યું છે. હરિયાણાએ હથીની કુંડ બૅરેજમાંથી વધુ પાણી છોડવાને કારણે જળસ્તરમાં વધારો થયો છે. ગઈ કાલે બપોરે ૩.૬૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ભારે વરસાદને કારણે સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. લોકોનાં ઘર, પાર્ક, અન્ડરપાસ, માર્કેટ્સ અને હૉસ્પિટલના પ્રિમાઇસિસમાં પાણીનો ભરાયાં હતાં. એને લીધે દિલ્હીના ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ સવાલ કરવામાં આવ્યા છે. દરમ્યાન દેશની રાજધાનીમાં જૂના યમુના બ્રિજ પર રેલવે ટ્રાફિકને ટેમ્પરરી બંધ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીમાં ગઈ કાલે યમુના બાઝાર એરિયામાં પૂરનાં પાણી ધસી આવ્યા બાદ સ્ટ્રીટમાંથી જઈ રહેલી એક મહિલા. તસવીર પી.ટી.આઇ.
ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડતાં ચાર જણનાં મોત, ૧૨ સરહદી ગામ સંપર્કવિહોણાં
ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ભારે વરસાદ વચ્ચે પહાડ પરથી ભેખડો ધસી પડવાના કારણે ત્રણ વાહનો કચડાઈ જવાથી ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય સાત જણને ઈજા થઈ હતી. સોમવારે રાત્રે આ ઘટના ઘટી હતી, જ્યારે યાત્રાળુઓનું એક ગ્રુપ ઉત્તરાખંડમાં ગંગોત્રી ખાતે દર્શન કર્યા બાદ મધ્ય પ્રદેશમાં પાછું જઈ રહ્યું હતું. બીજી તરફ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બૉર્ડર એરિયામાં જુમ્માગઢ નદીમાં આવેલા પૂરમાં એના પર બાંધવામાં આવેલો બ્રિજ ધોવાઈ ગયો હતો, જેના લીધે ઇન્ડો-તિબેટ બૉર્ડર રોડ બ્લૉક થયો હોવાથી લગભગ ૧૨ જેટલાં સરહદી ગામોનો કૉન્ટૅક્ટ પણ ગુમાવાયો છે.
મંડીમાં ગઈ કાલે ભારે વરસાદ બાદ કાટમાળમાં દટાઈ ગયેલાં વાહનો.
હિમાચલ પ્રદેશમાં ૧૮નાં મોત
હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે દિવસમાં ૧૮ લોકોનાં મૃત્યુ થયાં છે સાથે જ કરોડો રૂપિયાની સંપત્તિનો પણ નાશ થયો છે. હિમાચલના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર રાજ્યના કુલુ જિલ્લામાં ૧૦ જુલાઈથી પહેલી ઑગસ્ટ સુધી ચોમાસાની રજાઓ જાહેર કરવામાં આવી છે, જ્યારે લાહૌલ અને સ્પીતિમાં ૧૦ જુલાઈથી ૨૦ ઑગસ્ટ સુધી રજાઓ રહેશે. કિન્નૌર, પાંગી અને ભરમૌરમાં ૧૫ જુલાઈ સુધી શાળાઓ બંધ રહેશે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં શાળાઓમાં ૧૫ જુલાઈ સુધી રજા જાહેર કરવામાં આવી છે. ચંડીગઢ-મનાલી નૅશનલ હાઇવે પર મંડીથી કુલુ સુધી વિવિધ સ્થળોએ ભેખડો ધસી પડી છે. હાઇવે હવે સંપૂર્ણપણે બંધ છે. કુલુ અને મનાલીમાં સેંકડો વાહનો અટવાયાં છે.
આ વરસાદે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવાં પર્વતીય રાજ્યોમાં સૌથી વધુ તબાહી મચાવી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને બચાવવા માટે એનડીઆરએફની સાથે સેનાને પણ બોલાવવી પડી હતી. હાલમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદ બાદ સ્થિતિ બેકાબૂ છે.
ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ બચાવ કામગીરીમાં અડીખમ
ભારે વરસાદને જોતાં પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ૩૯ ટીમો તહેનાત કરવામાં આવી છે. પંજાબમાં ૧૪ ટીમો તહેનાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ૧૨ ટીમો તહેનાત કરવામાં આવી છે. હરિયાણામાં પાંચ અને ઉત્તરાખંડમાં ૮ ટીમો રાહત આપી રહી છે. હરિયાણામાં યમુના નદીનું પાણી કરનાલનાં અનેક ગામોમાં ઘૂસી ગયું છે. એસડીઆરએફ (સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અહીં બચાવકાર્ય ચલાવી રહ્યું છે.