સ્વતંત્રતા-દિવસ પહેલાં રાજધાનીમાં હાઈ અલર્ટ

12 August, 2026 10:08 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં લાગ્યાં ૧૯ મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓનાં પોસ્ટરો

૧૯ વૉન્ટેડ આતંકવાદીઓનાં પોસ્ટરો

સ્વતંત્રતા-દિવસ પહેલાં દિલ્હીમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્ય સ્થળોએ ૧૯ વૉન્ટેડ આતંકવાદીઓનાં પોસ્ટરો લગાવ્યાં છે. આ આતંકવાદીઓ વિશે જાણકારી આપનારાઓને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટરોમાં ઇન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને ખાલિસ્તાની સંગઠનો જેવાં જૂથો સાથે જોડાયેલા વૉન્ટેડ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા છે. સુરક્ષાનાં પગલાંના ભાગરૂપે ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમો પહેલાં આવાં પોસ્ટરો નિયમિત પ્રદર્શિત કરવામાં આવે છે.

લાલ કિલ્લા અને એની આસપાસ ૧૨,૦૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ અને લગભગ ૧૦૦૦ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તહેનાત કરવામાં આવ્યા છે.

દિલ્હીને બીજીથી ૧૬ ઑગસ્ટ સુધી નો-ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડ્રોન, પૅરાગ્લાઇડર્સ અને અન્ય ઊડતી વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધિત છે. ૧૩થી ૧૬ ઑગસ્ટ સુધી તમામ રેલવે-સ્ટેશનો અને મેટ્રો નેટવર્ક પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા વ્યક્તિની તાત્કાલિક સુરક્ષા-એજન્સીઓને જાણ કરવા અપીલ કરી છે.

national news india delhi news new delhi independence day