03 November, 2026 10:24 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડના ચારધામ માટે ચાર્ટર હેલિકૉપ્ટર સર્વિસ ગઈ કાલથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ૧૧ હેલિકૉપ્ટર ઑપરેટરોએ બે પાઇલટની જરૂરિયાતનો વિરોધ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગઈ કાલે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઑથોરિટી (UCADA) અને ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) વચ્ચે યોજાયેલી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ચાર્ટર હેલિકૉપ્ટર સર્વિસ ફક્ત આગામી સીઝનમાં જ ફરી શરૂ કરવામાં આવશે. જોકે કેદારનાથ માટે શટલ હેલિકૉપ્ટર સર્વિસ ચાલુ રહેશે. UCADAના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) પ્રતીક જૈને જણાવ્યું હતું કે ‘આ સીઝનમાં ચાર્ટર હેલિકૉપ્ટર-સર્વિસ માટે વધુ બુકિંગ થયું નથી. જે મુસાફરોએ બુકિંગ કરાવ્યું હતું તેમને સંપૂર્ણ રીફન્ડ મળશે.’
૧૦ નવેમ્બરે ગંગોત્રીનાં કપાટ બંધ થશે
ગંગોત્રી ધામનાં કપાટ ૧૦ નવેમ્બરે, કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામનાં કપાટ ૧૧ નવેમ્બરે અને બદરીનાથ ધામનાં કપાટ ૧૬ નવેમ્બરે બંધ થશે. આ સાથે ૪ પવિત્ર તીર્થસ્થાનોની આ વર્ષની યાત્રાનો અંત આવશે.
ઑપરેટરો સાથે વાતચીત નહીં
૩૦ ઑક્ટોબરે ચમોલી જિલ્લાના જોશીમઠ નજીક થયેલી હેલિકૉપ્ટર-દુર્ઘટના બાદ DGCA અને UCADAએ ચારધામમાં હેલિકૉપ્ટર-સર્વિસ માટે બે પાઇલટ ફરજિયાત બનાવવાનો નિયમ લાગુ કર્યો હતો. આ નિયમો સોમવારથી જ અમલમાં આવવાના હતા. જોકે ૧૧ ઑપરેટરોએ આ નિયમોનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ‘દરેક હેલિકૉપ્ટરમાં બે પાઇલટ રાખવાથી તેમનાં ભાડાં, રહેવાની વ્યવસ્થા અને અન્ય ખર્ચ વધશે. વર્તમાન ભાડાં પર આવા ખર્ચ સાથે સર્વિસનું સંચાલન બિનલાભકારી રહેશે. વળી આ નિયમો લાગુ કરતાં પહેલાં અમારી સાથે વાતચીત કરવામાં આવી નથી.’
ગઈ કાલે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પાસેના વિસ્તારમાં ફ્રેશ સ્નોફૉલને લીધે ચોતરફ બરફની ચાદર છવાઈ ગઈ હતી.