બીજી લહેર બાદ લાપરવાહી, બૉક્સમાંથી વેન્ટિલેટર ન નીકળ્યાં કે ન બની લૅબ

12 January, 2022 09:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જીનોમ સીક્વન્સિંગ લૅબોરેટરી માટે ૧૪ મહિનામાં ૧૭ વખત પત્ર લખવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની બીજી લહેર શમી ગયા બાદ દેશમાં રાજ્ય સરકારો એટલી બિન્દાસ થઈ ગઈ હતી કે ન તો જીનોમ સીક્વન્સિંગ લૅબોરેટરી ડેવલપ કરવા પર ખાસ ધ્યાન આપ્યું કે ન તો બૉક્સમાંથી પૅક વેન્ટિલેટર્સને બહાર કાઢવામાં આવ્યાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જીનોમ સીક્વન્સિંગ લૅબોરેટરી માટે ૧૪ મહિનામાં ૧૭ વખત પત્ર લખવામાં આવ્યો હતો. એટલું જ નહીં છેલ્લા નવ મહિનામાં ચાર વખત મંત્રાલયે બૉક્સમાં પૅક વેન્ટિલેટર્સને બહાર કાઢવાનું જણાવવા માટે પત્ર લખ્યો હતો. 
અનેક રાજ્યોમાં પીએમ કૅર્સ ફન્ડથી મળેલાં વેન્ટિલેટર્સમાંથી ૨૦ ટકા સુધી ચાલુ સ્થિતિમાં નથી. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર માર્ચ ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૧ દરમ્યાન ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં, જેમાંથી ૧૬૦૦ વેન્ટિલેટર્સ હજી પણ ચાલુ સ્થિતિમાં નથી. તેલંગણમાં ૨૩.૫૪ ટકા, ચંડીગઢમાં ૧૮.૩૪ ટકા, દિલ્હીમાં ૧૫.૨૩ ટકા અને તામિલનાડુમાં ૭.૫૬ ટકા વેન્ટિલેટર્સ હજી પણ બૉક્સમાં જ પૅક પડ્યાં છે. જીનોમ સીક્વન્સિંગ બાબતે પણ એવી જ સ્થિતિ છે. શરૂઆતમાં દેશની માત્ર ૧૦ લૅબોરેટરીઝમાં જીનોમ સીક્વન્સિંગ થઈ રહ્યું હતું. જુલાઈ ૨૦૨૧માં આ સંખ્યા વધીને ૨૮ થઈ હતી. આ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને જીનોમ સીક્વન્સિંગ માટેની લૅબોરેટરી માટે પાયાનું માળખું ડેવલપ કરવા માટે અનેક પત્રો લખવામાં આવ્યા હતા. જોકે ૯ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં લૅબોરેટરીઝની સંખ્યા વધીને ૩૮ થઈ શકી છે. નોંધપાત્ર છે કે અત્યારે સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં વધારે પ્રમાણમાં જીનોમ સીક્વન્સિંગની લૅબોરેટરી હોત તો વધારે પ્રમાણમાં જીનોમ સીક્વન્સિંગ ટેસ્ટ્સ થઈ શકે એમ હોત. નોંધપાત્ર છે કે આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ આરોગ્યમાળખું મજબૂત કરવા માટેના કોરોના ફન્ડ્સનો અપૂરતો ઉપયોગ કરવા બદલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇમર્જન્સી કોવિડ રિસ્પૉન્સ પૅકેજ હેઠળ મંજૂરીપ્રાપ્ત ફન્ડ્સમાંથી ૧૭ ટકાનો જ ઉપયોગ કરાયો છે.

coronavirus covid19 national news