સુપર્બ સેવન

17 September, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુના સાત દશક પાર કરી ચૂકેલા નરેન્દ્ર મોદીના જીવનનું અભિન્ન અંગ બની ગયેલી આ સાત વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે, જુઓ તમે

સુપર્બ સેવન

ફેવરિટ ઍક્ટિવિટી : યોગ
યસ, યોગ અને મેડિટેશન નરેન્દ્ર મોદીની ફેવરિટ ઍક્ટિવિટી છે. આમ તો તેમને પોતાને પણ એક્ઝૅક્ટ ટાઇમ યાદ નથી, પણ અનુમાન એવું મૂકી શકાય કે તેઓ ઑલમોસ્ટ ચાલીસેક વર્ષથી યોગ, મેડિટેશન અને પ્રાણાયામ કરે છે. ઋષિમુનિઓ દ્વારા સંશોધિત થયેલી આ ઍક્ટિવિટીમાં નરેન્દ્ર મોદી એ હદે નિપુણ થઈ ચૂક્યા છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં ગાઢ નિદ્રામાં પહોંચી શકે છે અને બૉડી ક્લૉક તેમણે એ પ્રકારે સેટ કરી છે કે તેઓ ધારે એ સમયે કોઈ પણ જાતના અલાર્મ વિના જાગી પણ જાય છે. દિવસમાં ૪૫ મિનિટ જેટલો સમય તેઓ યોગ અને પ્રાણાયામને ફાળવે છે તો મેડિટેશન માટે જો દિવસ દરમ્યાન સમય ફાળવી ન શકાય તો તેઓ રાતના મેડિટેશન કરે છે.
ફેવરિટ નાસ્તો : સેવ-મમરા
સેવ-મમરા નરેન્દ્ર મોદીનો ફેવરિટ નાસ્તો છે અને એનો ઉપયોગ આજે પણ તેઓ નિયમિત કરે છે. દિવસમાં એકાદ વાર તો તેમણે સેવ-મમરા ખાધા જ હોય. સક્રિય રાજકારણમાં પ્રવેશ નહોતો કર્યો ત્યારે નરેન્દ્ર મોદી પોતાના બગલથેલામાં સેવ-મમરાનો સ્ટીલનો ડબ્બો હંમેશાં સાથે રાખતાં. જ્યાં મન પડે અને જ્યારે મન પડે ત્યારે વિના સંકોચે ખાય પણ ખરા અને સામે બેઠેલાને ઑફર પણ કરે. એ સમયે નરેન્દ્ર મોદી સાદા મમરા અને સેવનું કૉમ્બિનેશન કરતા, પણ હવે સાદા મમરાને બદલે સહેજ અમસ્તા તેલના વઘાર સાથેના મમરામાં સેવ નાખીને એ નાસ્તો કરે છે. ગુજરાતના અનેક સિનિયર જર્નલિસ્ટ એવા છે જેમણે નરેન્દ્ર મોદીના એ સેવ-મમરાનો નાસ્તો કર્યો છે તો બીજેપી અને આરએસએસ સાથે જોડાયેલા અનેક નેતાઓએ પણ એ સેવ-મમરાનો નાસ્તો મોદી સાથે બેસીને કર્યો છે.
ફેવરિટ દંતમંજન : દાતણ
બહુ ઓછા લોકોને ખબર છે કે નરેન્દ્ર મોદી આજે પણ દરરોજ સવારે દાતણ કરે છે. પંદર મિનિટ ઘરમાં ચાલતાં-ચાલતાં દાતણ કર્યા પછી નરેન્દ્ર મોદી નિમક અને કોલસાનું જાતે તૈયાર કરેલું મંજન દાંત પર ઘસે છે. આખા નિમકના ટુકડાઓમાં સહેજ અમસ્તો ખાંડેલો કોલસો મિક્સ કરીને એનું દાંત અને પેઢાં પર બેથી ચાર મિનિટ મંજન કરે અને એ પછી મોઢું સાફ કરે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમયથી તેમને આ આદત પડી છે અને આ આદતને તેમણે આજ સુધી કન્ટિન્યુ રાખી છે. નિમક અને કોલસાનું મિક્સ્ચર વાપરવાની આદત નરેન્દ્ર મોદીને પોતાના હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમ્યાન પડી અને એ પછી તેમણે એને કન્ટિન્યુ કરી. તમને જાણીને નવાઈ લાગશે કે આ મિક્સ્ચર વાપરવું કે નહીં એ માટે તેમણે દેશના બહુ જાણીતા ડેન્ટલ સર્જ્યન સ્વર્ગીય પી. વી. દોશીની ઍડ્વાઇઝ પણ લીધી હતી. ડૉક્ટર દોશી સંઘ સાથે જોડાયેલા હતા અને તેમણે અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા બીજેપીના સમર્થ નેતાઓની ડેન્ટલ ટ્રીટમેન્ટ પણ કરી છે.
ફેવરિટ ડ્રિન્ક : ગંગાજળ
હા, ગંગાજળ નરેન્દ્ર મોદીનું સૌથી ફેવરિટ ડ્રિન્ક છે અને તેઓ એનું નિયમિત સેવન પણ કરે છે. નરણા કોઠે ગંગાજળનો એક ગ્લાસ પીવાનો તેમનો નિયમ લગભગ ત્રીસેક વર્ષથી છે. સંઘના કાર્યમાં બિઝી હતા ત્યારે તેમને દરરોજ એક ગ્લાસ ગંગાજળ પીવા ન મળે તો તેઓ પોતાની સાથે રહેલી બૉટલમાંથી એક ઢાંકણું ગંગાજળ પી લેતા. જોકે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી તેમને ટીમ મળી એટલે તેમના માટે ગંગાજળની કાયમી વ્યવસ્થા કરવામાં આવી. એ વ્યવસ્થા આજે પણ અકબંધ છે અને મોદી દિવસના આરંભનો પહેલો પાણીનો ગ્લાસ ગંગાજળ પીએ છે. આવું કરવા પાછળ સાયન્સ જવાબદાર છે કે નહીં એ તેમની ટીમમાં કોઈ નથી જાણતું, પણ ગંગામૈયા પ્રત્યેની તેમની લાગણી કારણભૂત છે એવું પણ સહજપણે સ્વીકારે છે. 
ફેવરિટ ભોજન : ખીચડી
નરેન્દ્ર મોદીના રાતના ભોજનમાં ખીચડી અચૂક બને છે. મોદીસાહેબનો આ જે નિયમ છે એ જગતભરના પોતાના પ્રવાસ દરમ્યાન પણ અકબંધ રહે છે. આ જ કારણે વાઇટ હાઉસમાં પણ તેમના માટે ખીચડી બની છે તો દુબઈના શેખના પૅલેસમાં પણ તેમના માટે ખીચડી બનાવવામાં આવી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતી ખીચડી અનહદ વહાલી છે. સાદી અને રેગ્યુલર ખીચડી. ઢીલી ખીચડીમાં માત્ર ઘી નાખીને ખાવાની નરેન્દ્ર મોદીની આદત છે. દૂધ-ખીચડી પણ તેમનાં ફેવરિટ છે. નરેન્દ્ર મોદીના ઘરે રહેવાનો અવસર મેળવી શકનારાઓને ખબર છે કે દૂધ-ખીચડી ખાવા કરતાં પણ એને પીવાની મજા નરેન્દ્ર મોદી વધારે માણે છે. મુખ્ય પ્રધાનપદ અને એ પછી વડા પ્રધાનપદ પર આવ્યા પછી આજે પણ તેમના ઘરે ખીચડી નિયમિત બને છે. ખીચડી સાથે કાચા પપૈયા અને મરચાંનો સંભારો પણ તેમને ભાવે છે, પણ દૂધ-ખીચડીની તોલે કંઈ ન આવે એ પણ એટલું જ સાચું છે.
ફેવરિટ ડેસ્ટિનેશન : હિમાલય
નરેન્દ્ર મોદી છેલ્લા લગભગ અઢી દશકથી તો વેકેશન લઈ નથી શક્યા, પણ તેમનું ફેવરિટ ડેસ્ટિનેશન જો કોઈ હોય તો એ છે હિમાલય અને બીજા નંબરે આવે છે જંગલ. હા, કોઈ પણ જંગલ. એકલા પ્રકૃતિ સાથે રહેવું એ નરેન્દ્ર મોદીનો સૌથી પસંદગીનો શોખ છે. સક્રિય રાજકારણમાં આવ્યા એ અગાઉ તેઓ સમયાંતરે જંગલમાં રહેવા ચાલ્યા જતા. નેવુંના દશકમાં હિમાચલ પ્રદેશમાં આવ્યા પછી તેમણે હિમાલયમાં જવાનું શરૂ કર્યું. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં સાત વખત કેદારનાથ-બદરીનાથની દુર્ગમ કહેવાય એવી પગપાળા યાત્રા કરી છે તો બદરીનાથથી આગળ ગંગોત્રી સુધી પણ તેઓ ત્રણેક વાર જઈ આવ્યા છે. પોતાના જંગલના વેકેશન દરમ્યાન નરેન્દ્ર મોદી પોતાની સાથે કશું લેતા નથી જતા. તેઓ માત્ર એક ગ્લાસ અને દોરી જ પોતાની સાથે રાખે છે જેથી પાણી પી શકાય. જમવાનું પણ તમારે જંગલમાં જાતે શોધવાનું. પ્રકૃતિની ઓળખ માટે અને સૃષ્ટિમાં તમારી અનિવાર્યતા કેવી છે એ સમજવા માટે વર્ષે ઓછામાં ઓછા ત્રણથી પાંચ દિવસ આ પ્રકારે જંગલના પ્રવાસે જવું જોઈએ એવું નરેન્દ્ર મોદી માને છે. એક તબક્કે નરેન્દ્ર મોદી ફૉરેસ્ટ વેકેશનની યોજના પણ જાહેર કરવા માગતા હતા, જેમાં દેશનાં બાવીસ ફૉરેસ્ટનો સમાવેશ થવાનો હતો. જોકે કોવિડના કારણે એ યોજના અત્યારે ફાઇલોમાં રહી ગઈ છે.
ફેવરિટ પાત્ર : ભગત સિંહ
તમને જાણીને નવાઈ લાગશે કે સ્કૂલમાં નરેન્દ્ર મોદીએ બે વર્ષ સુધી નાટકમાં ભાગ લીધો હતો અને બન્ને વખત તેમણે શહીદ ભગત સિંહનું પાત્ર ભજવ્યું હતું. ભગત સિંહથી મોદી ભારોભાર પ્રભાવિત રહ્યા છે, જે તેમની કાર્યશૈલીમાં પણ વારંવાર ઝળક્યા કરે છે. જો દુશ્મન માને નહીં તો લાલ આંખ કરવી પડે અને દુશ્મનને મર્દાનગી દેખાડવી પડે. આ માનસિકતા તેમનામાં ભગત સિંહના ચરિત્રમાંથી આવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતી ઍક્ટરો-પ્રોડ્યુસરોની સાથે અનેક વાર મીટિંગ કરી હતી. એ મીટિંગમાં પણ તેમણે કહ્યું હતું કે બહાદુરી જન્માવે અને હામ પ્રગટાવે એવા વિષય પર ફિલ્મો અને સિરિયલો બનવી જોઈએ, જે આપણી ભાવિ પેઢીમાં હિંમત અને સાહસિકતા જન્માવશે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીએ ડિસ્કવરી ચૅનલના ‘ઇનટુ ધ વાઇલ્ડ’ શોમાં જવાનું નક્કી કર્યું હતું. ભગત સિંહ ઉપરાંત નરેન્દ્ર મોદી સરદાર પટેલથી પણ ભારોભાર પ્રભાવિત રહ્યા છે. કોઈ જાતની ફરિયાદ વિના એકધારું અને પૂર્ણ નિષ્ઠા સાથે પોતાનું કામ અકબંધ રાખનારા સરદાર પટેલના સ્વભાવની આ ખૂબીને નરેન્દ્ર મોદીએ પોતાના જીવનમાં પણ ઉતારી છે. 

અય મેરે વતન કે લોગોં....

એક તો લતા મંગેશકરે ગાયેલું ‘અય મેરે વતન કે લોગોં, ઝરા આંખ મેં ભર લો પાની...’ અને બીજું સૉન્ગ મહેન્દ્ર કપૂરે ગાયેલું ‘મેરા રંગ દે બસંતી ચૌલા...’. આ બન્ને ગીત જો અચાનક જ તેમને સાંભળવા મળી જાય તો તેમનો મૂડ આખો ચેન્જ થઈ જાય. અનેક વખત એવું પણ બન્યું છે કે આ ગીતો ક્યાંય પણ તેમને સાંભળવા મળી ગયાં હોય અને નરેન્દ્રભાઈ એ ગીતને સાથે ગણગણવા માંડ્યા હોય. લતા મંગેશકરને તો તેમણે કહ્યું પણ છે કે આ એક ગીત પછી કોઈ ગીત ગાયું ન હોત તો પણ તમે ભારતીય મ્યુઝિકમાં અમર થઈ ગયાં હોત.
મહેન્દ્ર કપૂરે ગાયેલું ફિલ્મ ‘શહીદ’નું ગીત સંઘના સમયે નરેન્દ્રભાઈ બહુ ગાતા. તેમણે કહ્યું પણ છે કે આ એક એવું ગીત છે જે મને અઢળક હિંમત અને ઝનૂન આપે છે.

આયુર્વેદના હિમાયતી

તમને જાણીને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે નરેન્દ્ર મોદીએ લગભગ ચારેક દશકથી ઍલોપૅથિક દવા લીધી નથી અને અગાઉનું તેમને યાદ નથી એટલે તેઓ દાવો કરતા નથી, પણ મોદીને તેમના સંઘર્ષકાળથી ઓળખનારાઓનું કહેવું છે કે તેમણે ક્યારેય ઍલોપૅથિક દવા લીધી નથી. આયુર્વેદ વિશેનું તેમનું જ્ઞાન અઢળક છે. નરેન્દ્ર મોદીનાં બા હીરાબહેન આયુર્વેદના જાણકાર હોવાને લીધે તેમને આયુર્વેદનું જ્ઞાન વારસામાં મળ્યું તો એ પછી સંન્યાસી જેવી રઝળપાટના કારણે આયુર્વેદના નુસખાઓ ચારે તરફથી શીખવા મળતા રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકાળ દરમ્યાન પણ તેમને આયુર્વેદ વિશે પુષ્કળ જાણકારી મળી. નરેન્દ્ર મોદીના બંગલામાં આયુર્વેદની મોટા ભાગની દવાઓ હાજર હોય છે તો અમુક દવાઓ કિચનમાંથી તેઓ તત્કાળ તૈયાર પણ કરી લે છે. એક આડ વાત. નવશેકું પાણી નરેન્દ્ર મોદી નિયમિત પીએ છે. હૂંફાળું પાણી આયુર્વેદમાં લાભદાયી અને ગુણકારી ગણાવવામાં આવ્યું છે.

national news narendra modi happy birthday