Gurugram News: પૈસાની લાલચમાં ગાયને ચિકન મોમોસ ખવડાવવા લાગ્યો યુવક- પોલીસે નોંધ્યો કેસ

10 December, 2025 11:16 AM IST  |  Gurugram | Gujarati Mid-day Online Correspondent

Gurugram News: આરોપી યુવકે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ તેનું બ્રેઇનવોશ કર્યું હતું અને અમુક રકમની પણ લાલચ આપવામાં આવી હતી. આની જ લાલચમાં તે ગાયને ચિકન મોમોસ ખવડાવવા પ્રેરાયો હતો.

ગાયને મોમોસ ખવડાવી રહેલ ઋતિક અને બીજી તસવીરમાં તે હાથ જોડીને માફી માંગી રહ્યો છે (વાઈરલ વિડિયોમાંથી સ્ક્રીનશોટ)

તાજતેરમાં જ ગાયને ચિકન મોમોસ ખવડાવતા યુવકનો એક વિડિયો વાઈરલ (Gurugram News) થયો હતો. ગુરુગ્રામના એક યુટ્યબરે આ કૃત્ય કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેની ભારે ફ્જેતી થઇ રહી હતી. હવે અહેવાલો મળી રહ્યા છે કે આરોપી યુટ્યબરની ધરપકડ કરવામાં આવી છે. વળી તેને પકડીને બરાબરનો મેથીપાક પણ ચખાડવામાં આવ્યો છે. આરોપીને પોલીસના હવાલે કરી દેવાયો છે. ધરપકડ પછી આરોપી યુવકે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ તેનું બ્રેઇનવોશ કર્યું હતું અને અમુક રકમની પણ લાલચ આપવામાં આવી હતી. આની જ લાલચમાં તે ગાયને ચિકન મોમોસ ખવડાવવા પ્રેરાયો હતો. પોતાની ભૂલ સ્વીકારતાં આરોપીએ માફી માંગી અને તે ફરીથી આવું કૃત્ય નહીં કરે તેની પણ ખાતરી આપી હતી. જોકે, પોલીસે તેની સામે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ ફાઈલ કર્યો છે. 

કોણ છે આ આરોપી? શું છે વાઈરલ વિડીયોમાં?

ગાયને ચિકન મોમોસ ખવડાવનાર આરોપી ગુરુગ્રામ (Gurugram News)માં ન્યૂ કૉલોનીમાં રહે છે. ૨૮ વર્ષનો ઋતિક ચંદાના ઘણીબધી સોશિયલ મીડિયા ચેનલો રન કરે છે. તેના પિતા ડૉક્ટર છે અને માતા સામાન્ય ગૃહિણી છે. ઋતિકે ડીયુમાંથી અંગ્રેજી ઓનર્સમાં બીએની ડીગ્રી લીધી છે. વાઈરલ થયેલા વિડીયોની વાત કરવામાં આવે તો ૨જી ડિસેમ્બરના રોજ ઋતિકે સેક્ટર-૫૬ના હુડા માર્કેટ પાસેની કોઈ રેકડી પરથી ચિકન મોમોસ ખાધા હતા. પણ વાત ત્યારે બગડે છે જયારે તે આ ચિકન મોમોસ ત્યાં ઊભેલી ગાયને ખવડાવવા લાગે છે. તે આ કૃત્યનો એક વિડીયો પણ શૂટ કરે છે અને સોશિયલ મીડિયા પર વહેતો કરે છે. આ વિડીયો હિન્દુ સંગઠનો પાસે પહોંચતા જ તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો અને તેની ધરપકડની માગ કરી હતી. 

ભારે રોષ બાદ ઋતિકને પકડી લેવાયો હતો અને સેક્ટર-૫૬ના (Gurugram News) પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો. પોલીસે ફરિયાદના આધારે કેસ પણ ફાઈલ કરાયો છે. રિપોર્ટ અનુસાર હૃતિકની પૂછપરછ બાદ જામીન પર છોડવામાં આવ્યો છે. પોલિસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ મામલે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જે જે પુરાવા ભેગા કરાયા છે તેનો આધાર લઈને આરોપી સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ

આ ઘટના (Gurugram News) બાદ પ્રાણીપ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આવા અખતરા કરીને રાતોરાત ફેમસ થઇ જવાની લ્હાયમાં લોકો અબોલ જીવ સાથે ન કરવાનું પણ કરી બેસતા હોય છે. આ ઘટના બાદ તો હિંદુ સંગઠનોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રાણીપ્રેમીઓએ પણ ભારે રોષ દેખાડ્યો છે.

national news india Crime News wildlife gurugram hinduism viral videos social media