ગુરુગ્રામ હિટ-એન્ડ-રનનો આરોપી કસ્ટડીમાં, સિયાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો

15 September, 2026 12:37 PM IST  |  Gurugram | Gujarati Mid-day Online Correspondent

Gurugram hit-and-run case: ગુરુગ્રામ હિટ-એન્ડ-રન કેસના સંબંધમાં રાજસ્થાનમાં પોલીસે બાઈક ચાલકની અટકાયત કરી; મહિલા બાઇકર શિવાની ચૌહાણે આરોપીના અકસ્માત અંગેના દાવાને નકાર્યો; ગોલ્ફ કોર્સ રોડ હિટ-એન્ડ-રન કેસમાં આવ્યો નવો વળાંક

ગુરુગ્રામ હિટ-એન્ડ-રનનો આરોપી

ગુરુગ્રામ પોલીસે (Gurugram Police) ગોલ્ફ કોર્સ રોડ પર મહિલા બાઇકર શિવાની ચૌહાણ (Shivani Chauhan) સાથે થયેલા વાયરલ હિટ-એન્ડ-રન કેસના સંબંધમાં રાજસ્થાનના દૌસામાંથી કલ્યાણ બૈંસલા (Kalyan Bainsla)ની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita) ની કલમ ૧૦૯ હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો પણ ઉમેર્યો છે. કલ્યાણ બૈંસલાના એવા દાવાને સિયાએ જાહેર રૂપે ફગાવી દીધો છે કે આ ટક્કર એક અકસ્માત હતી. સિયાએ આક્ષેપ કર્યો છે કે, આરોપીએ જાણી જોઈને તેની મોટરસાઇકલને ટક્કર મારી હતી અને મદદ કરવા માટે રોકાયા વિના ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

ગોલ્ફ કોર્સ રોડ હિટ-એન્ડ-રન કેસ (Gurugram hit-and-run case)માં એક નવો વળાંક આવ્યો છે, જેમાં મહિલા સ્પોર્ટ્સ બાઇકર શિવાની ચૌહાણ (જે સોશિયલ મીડિયા પર `સિયા` તરીકે જાણીતી છે) એ આરોપી કાર ચાલક કલ્યાણ બૈંસલાના ખુલાસાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. આરોપી બૈંસલાએ અગાઉ સ્વીકાર્યું હતું કે ટક્કર થઈ હતી, પરંતુ દાવો કર્યો હતો કે યુ-ટર્ન લેતી વખતે આ અકસ્માત અજાણતા થયો હતો. સિયાએ એક નવો વીડિયો અને પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવીને સવાલ ઉઠાવ્યો હતો કે જો ચાલક ખરેખર દુઃખી કે અફસોસમાં હતો તો તે ઘટનાસ્થળેથી તાત્કાલિક કેમ ભાગી ગયો? તેણે આરોપ લગાવ્યો હતો કે આરોપીએ જાણી જોઈને બાઇકને ટક્કર માર્યા પછી હવે "સાનુભૂતિ મેળવવાનો ડ્રામા" કરી રહ્યો છે. આ દરમિયાન, ગુરુગ્રામ પોલીસે ટીમ બનાવીને આરોપી કલ્યાણ બૈંસલાની રાજસ્થાનના દૌસાથી અટકાયત કરી છે.

નવો વીડિયો પુરાવો અને પીડિતાના વળતા આરોપો

રવિવારે સવારે ગોલ્ફ કોર્સ રોડ પર પોતાની એપ્રિલિયા RS 457 સ્પોર્ટ્સ બાઇક ચલાવી રહેલી સિયાએ પાછળ આવી રહેલા અન્ય બાઇકર દ્વારા રેકોર્ડ કરાયેલો નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં દેખાય છે કે સફેદ રંગની મારુતિ સુઝુકી સિયાઝ (રજિસ્ટ્રેશન નંબર HR30L4949) માં બેઠેલા લોકો તેને બાઇક સાઇડમાં લેવા માટે ઇશારો કરે છે અને ત્યારબાદ અચાનક કાર તેની બાઇકની સામે લાવીને સાઇડમાંથી જોરદાર ટક્કર મારે છે. ટક્કરના કારણે સિયા નીચે પડી ગઈ હતી અને તેની બાઇક લગભગ ૩૦૦ મીટર સુધી ઘસડાઈ હતી, જેના પછી કાર ચાલક ઝડપથી ફરાર થઈ ગયો હતો.

પોતાના તાજેતરના વીડિયો સ્ટેટમેન્ટમાં સિયાએ બૈંસલાના એ દાવાને ફગાવી દીધો હતો કે તેને ખબર નહોતી કે બાઇક કોઈ મહિલા ચલાવી રહી છે. પોતાની લાંબી ચોટલી તરફ ઈશારો કરતા તેણે પૂછ્યું: "જો તમને મારા માટે આટલું દુઃખ થતું હતું, તો તમે એ સમયે કાર કેમ ન રોકી?" તેણે ઉમેર્યું કે ટક્કર માર્યા પછી કારમાં બેઠેલા લોકોએ એ જોવાની પણ તકલીફ ન લીધી કે તે જીવતી છે કે ગંભીર રીતે ઘવાયેલી છે.

ટોળાની હિંસાના ડરથી ભાગી ગયાનો આરોપીનો દાવો

જીમ માલિક અને પોતાની જાતને આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી ગણાવતા બૈંસલાએ સ્વીકાર્યું કે ટક્કર તેની ભૂલથી થઈ હતી, પરંતુ તેણે જાણીજોઈને બાઇકને ટક્કર માર્યાનો સખત ઇનકાર કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં બૈંસલાએ દાવો કર્યો હતો કે તે તેની બહેન અને પિતરાઈ ભાઈઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ૨૦ થી ૨૨ બાઇકર્સનું ટોળું બેદરકારીપૂર્વક બાઇક ચલાવીને તેની કારને ઓવરટેક કરી રહ્યું હતું. તેણે એવો આક્ષેપ કર્યો કે યુ-ટર્ન નજીક સુરક્ષિત રીતે આગળ નીકળવાના પ્રયાસમાં તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.

મદદ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જવાના કારણ અંગે ખુલાસો કરતા બૈંસલાએ જણાવ્યું કે તેને ડર હતો કે જો તે કાર રોકશે તો આસપાસના બાઇકર્સનું ટોળું તેના અને તેના પરિવાર પર હુમલો કરી દેશે. તેના વકીલે પણ અલગથી દાવો કર્યો હતો કે ઘટના પહેલાં બાઇકર્સ અત્યંત ઝડપથી અને જોખમી રીતે બાઇક ચલાવી રહ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને કેસ દાખલ

સોશિયલ મીડિયા પર ડેશકેમ વિડીયો વાયરલ થયા બાદ ગુરુગ્રામ પોલીસે સ્વતઃ સંજ્ઞાન (suo motu) લઈને સેક્ટર ૫૬ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧ (લાપરવાહીથી વાહન ચલાવવું) અને ૧૨૫ (ઈજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો હતો. એસીપી (હેડક્વાર્ટર) અભિલાક્ષ જોશીના જણાવ્યા અનુસાર, આરોપીને શોધવા માટે ત્રણ વિશેષ પોલીસ ટુકડીઓને વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી, જેના પરિણામે રાજસ્થાનથી તેની અટકાયત કરવામાં સફળતા મળી છે.

આ રોડ-રેજ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિયાના પિતા અને ભાઈ સહિતના પરિવારજનોએ પોલીસ પાસે હત્યાના પ્રયાસ (Attempt to Murder) સહિતની સખત કલમો ઉમેરવાની માંગ કરી છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, અને જપ્ત કરવામાં આવેલી કાર આરોપીના એક પરિચિતના નામે રજિસ્ટર્ડ છે, જેણે બૈંસલાને કાર વાપરવા આપી હતી.

gurugram new delhi Crime News national news news viral videos social media india Bharat