26 September, 2025 07:00 AM IST | Noida | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નોએડામાં ઉત્તર પ્રદેશ ઇન્ટરનૅશનલ ટ્રેડ શોના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા નરેન્દ્ર મોદી.
ગુરુવારે ગ્રેટર નોએડામાં યોજાયેલા ઇન્ટરનૅશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST ઘટાડવાને કારણે લોકોને થઈ રહેલી બચત વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં ભવિષ્યનો સંકેત પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આજે દેશ GST બચત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે હું કહેવા માગું છું કે આપણે અહીં રોકાવાના નથી. ૨૦૧૭માં GST લાવ્યા અને આર્થિક મજબૂતીનું કામ કર્યું. ૨૦૨૫માં ફરીથી એમાં બદલાવ કર્યો અને ફરીથી આર્થિક રીતે મજબૂત થઈશું.
જેમ-જેમ મજબૂતી વધશે એમ-એમ ટૅક્સનો બોજ ઘટતો જશે. દેશવાસીઓના આશીર્વાદ હશે તો GST રિફૉર્મનો આ સિલસિલો નિરંતર ચાલતો રહેશે.’ નવી જનરેશનના GST રિફૉર્મ્સમાં મિડલ ક્લાસ પરથી હજી વધુ ટૅક્સનું ભારણ ઓછું થશે એની વાત કરતાં વડા પ્રધાને ટૅક્સમાં કેટલો ઘટાડો થયો છે એની સરખામણી કરીને કહ્યું હતું કે ‘નવા GSTના દરો ભારતના વિકાસને પાંખો આપશે. ૨૦૧૪ પહેલાં ઘણાબધા કરવેરા હતા જેને કારણે વેપારીઓ અને પરિવારો બજેટ નહોતા સંતુલિત કરી શકતા. ૨૦૧૪માં ૧૦૦૦ રૂપિયાના શર્ટ પર ૧૭૦ રૂપિયાનો ટૅક્સ લાગતો હતો. ૨૦૧૭માં GST લાવ્યા પછી એ ટૅક્સ ઘટીને ૫૦ રૂપિયા થયો. હવે નેક્સ્ટ જનરેશન GST રિફૉર્મ બાદ આ ટૅક્સ માત્ર ૩૫ રૂપિયા રહ્યો છે.’
નોએડા પછી ગઈ કાલે બાંસવાડામાં જનસભાને સંબોધતી વખતે પણ નરેન્દ્ર મોદીએ GST પહેલાંના સમય અને આજના બચત ઉત્સવ સમયના ટૅક્સની સરખામણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૪ પહેલાં તમે સાબુ, શૅમ્પૂ, ટૂથપેસ્ટ જેવી રોજબરોજની ૧૦૦ રૂપિયાની ચીજ ખરીદતા હતા તો એ સામાન તમને ૧૩૧ રૂપિયામાં પડતો હતો. ૨૦૧૪માં GST લાગુ કર્યો ત્યારે ૧૦૦ રૂપિયાના સામાન પર ૧૮ રૂપિયા ટૅક્સ આવ્યો. હવે માત્ર પાંચ રૂપિયા ટૅક્સ લાગે છે. હજી બીજી ચીજોની સરખામણી કહું તમને. કૉન્ગ્રેસના રાજમાં ૫૦૦ રૂપિયાનાં જૂતાં પર ૭૫ રૂપિયા ટૅક્સ વસૂલ કરવામાં આવતો હતો. GST આવ્યા પછી એ ટૅક્સમાં ૧૫ રૂપિયાનો ઘટાડો થયો. નવા બદલાયેલા ટૅક્સમાં આપણે ૫૦૦ રૂપિયાવાળાં જૂતાં પરથી ટૅક્સનો સ્લૅબ જ હટાવી દીધો છે.’
બચત ઉત્સવમાં લોકોને કેટલીબધી બચત થવા જઈ રહી છે એ વિશે વાત કરતાં નરેન્દ્ર મોદીએ સ્કૂટર અને મોટરસાઇકલનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૪ પહેલાં કૉન્ગ્રેસ ૬૦,૦૦૦ રૂપિયાના વાહન પર ૧૯,૦૦૦ રૂપિયા ટૅક્સ લેતી હતી. ૨૦૧૭માં GST આવ્યા પછી એ ટૅક્સમાં બે-અઢી હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો. જોકે હવે બચત ઉત્સવ લાગુ પડ્યા પછી ૬૦,૦૦૦ની બાઇક પર માત્ર ૧૦,૦૦૦ રૂપિયા ટૅક્સ લાગે છે.’