ઓડિશામાં ગુડ્સ ટ્રેન ડીરેલ થતાં ત્રણનાં મૃત્યુ

22 November, 2022 09:43 AM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

માલગાડીના ડબા છેક પ્લૅટફૉર્મ અને વેઇટિંગ હૉલ સુધી ફંગોળાયા

કોરાઈ રેલવે સ્ટેશન પર ફંગોળાયેલા માલગાડી ટ્રેનના ડબા

ઓડિશાના જાજપુર જિલ્લાના કારોઈ સ્ટેશન પર એક માલગાડી ડીરેલ થઈ હતી. ટ્રેનના ડબા પ્લૅટફૉર્મ તેમ જ વેઇટિંગ રૂમ સુધી ફંગોળાયા હતા. આ ઘટનામાં ત્રણ જણ મૃત્યુ પામ્યા છે. માલગાડી ડોગોપોસીથી છત્રપુર તરફ જઈ રહી હતી. પાટા પરથી ઊતરી જવાને કારણે આ ગુડ્સ ટ્રેનના ડબા ફુટઓવર બ્રિજ, સ્ટેશન બિલ્ડિંગ અને સ્ટેશન પરની અન્ય માળખાગત સુવિધા સાથે અથડાયા હતા. દુર્ઘટનાને કારણે બન્ને લાઇનને બંધ કરવી પડી છે. ઘણી ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે તેમ જ અમુકને ડાઇવર્ટ કરવામાં આવી છે.

ઈસ્ટ કોસ્ટ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે દુર્ઘટના સવારે ૬.૪૪ વાગ્યે ઘટી હતી. કેટલાક મુસાફરો ત્યારે પ્લૅટફૉર્મ પણ પૅસેન્જર ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેનના ટ્રાઇવરે અચાનક બ્રેક મારતાં આઠ ડબા ખડી પડ્યા હતા તેમ જ પ્લૅટફૉર્મ અને વેઇટિંગ હૉલ સુધી પહોંચી ગયા હતા. કેટલાક ડબા ફુટઓવર બ્રિજ સુધી પહોંચી ગયા અને નીચે વેઇટિંગ હૉલ અને ટિકિટ કાઉન્ટર પણ પડ્યા હતા. મરનારમાં મા અને દીકરીનો સમાવેશ થાય છે તો તેમનો અઢી વર્ષનો દીકરો ચમત્કારિક રીતે બચી ગયો હતો.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મરનારના પરિવારને પાંચ લાખની સહાય, ગંભીર ઈજાગ્રસ્તોને એક લાખની સહાય અને થોડીક ઈજા થઈ હોય તેમને ૨૫,૦૦૦ રૂપિયા સહાયની ઘોષણા કરી હતી. મુખ્ય પ્રધાન નવીન પટનાયકે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે તેમ જ નજીકના સંબંધીઓને ૨ લાખ રૂપિયા સહાયની ઘોષણા કરી છે. મુખ્ય પ્રધાને વહીવટી તંત્રને બચાવ કામગીરી ઝડપી કરવા અને ઘાયલોને પુરતી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

national news odisha