ગુડ ન્યુઝ:ભારતમાં બની રહેલી 'કોવિશીલ્ડ' વેક્સિન પહેલા ડોઝમાં 90% અસરદાર

23 November, 2020 04:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગુડ ન્યુઝ:ભારતમાં બની રહેલી 'કોવિશીલ્ડ' વેક્સિન પહેલા ડોઝમાં 90% અસરદાર

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસ 91 લાખને પાર થઈ ગયા છે. અત્યાર સુધીમાં 1.33 લાખથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાની વેક્સિની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, દેશમાં હાલ પાંચ વેક્સિન પોતાની પ્રોસેસના અંતિમ ચરણમાં છે. તે પૈકી બે વેક્સિન ફેબ્રુઆરી 2021 સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ દરમિયાન ભારતમાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી- AstraZenecaની સાથે મળી કોરોના વેક્સિન પર કામ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટએ જણાવ્યું કે AZD1222 કોરોના વાયરસથી બચાવમાં 90 ટકા અસરદાર રહી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે યૂકે અને બ્રાઝીલમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં વેક્સિન (AZD1222) ઘણી અસરદાર રહી છે. અડધા ડોઝમાં આપવામાં આવેલી વેક્સિન 90 ટકા સુધી અસરદાર જોવા મળી. ત્યારબાદ બીજા મહિનામાં ફુલ ડોઝ આપવામાં આવતા 62 ટકા અસરદાર જોવા મળી. તેના એક મહિના બાદ ફરીથી બે ફુલ ડોઝમાં વેક્સિની અસર 70 ટકા જોવા મળી. આ વેક્સિન પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. ભારતમાં આ વેક્સિન ‘કોવિશીલ્ડ’ નામથી ઉપલબ્ધ થશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનીએ તો દુનિયાભરમાં ભારત સહિત 212 સ્થળો પર વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. આ 212માં 164 વેક્સિન હજુ પ્રી-ક્લીનિકલ સ્ટેજમાં છે. સારી વાત એ છે કે 11 વેક્સિન અંતિમ ચરણના ટ્રાયલ્સમાં છે. તેમાં ફાઇઝર-બાયોએનટેક અને અમેરિકાની ફાર્મા કંપની મોડર્નાએ પોતાની કોવિડ-19 વેક્સિનના હ્યૂમન ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. મોડર્નાને 94.5 ટકા અને ફાઇઝર-બાયોએનટેકનો 95 ટકા પ્રભાવી હોવાના અહેવાલ છે. ટૂંક સમયમાં જ આ કંપનીઓ અપ્રૂવલ માટે અરજી કરવાની છે, જેનાથી આ વર્ષના અંત સુધી તેનું પ્રોડક્શન શરૂ થશે અને વહેલી તકે આપણા સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકે.

ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિનને ઇમરજન્સી મંજૂરી મળી શકે છે. તેની પહેલી ખેપ જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી દેશમાં ઉપલબ્ધ થઈ શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાની આ વેક્સિનને ભારતમાં પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટતૈયાર કરી રહી છે. હાલમાં આ વેક્સિનનું ભારત સહિત દુનિયાના લગભગ 30 દેશોમાં ત્રીજા અને ચોથા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

coronavirus covid19 national news india