Gonda accident: શ્રદ્ધાળુઓની કાર નહેરમાં ખાબકી! ૧૧ લોકોનાં મોતથી ચકચાર... યોગી આદિત્યનાથે મદદની જાહેરાત કરી

04 August, 2025 06:53 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

Gonda accident: કુલ પંદર લોકોમાંથી ૧૧ લોકોનાં મોત થયા છે. જયારે ચાર લોકો ઘાયલ થયા છે, તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કાર નહેરમાં ખાબકી ગઈ હતી

ઉત્તરપ્રદેશના ગોંડામાં દર્દનાક રોડ અકસ્માત (Gonda accident) થયો છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. ગોંડાના પૃથ્વીનાથ મંદિરના દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર નહેરમાં ખાબકી હતી. જેમાં ત્યાં ને ત્યાં જ ૧૧ લોકોના મોત થઇ ગયા હતા. આ સિવાય ચાર લોકોની હાલત ગંભીર છે.

રિપોર્ટ અનુસાર અત્યારે ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આ વચ્ચે શ્ર્દ્ધાળુઓની કાર અનિયંત્રિત થઈ જઈને તે ગોંડાની સરયુ નહેરમાં પડી ગઈ હતી. આ ઘટનામાં (Gonda accident) એક જ પરિવારના ૧૧ લોકોના મોત થયા હતા. વાહનમાં કુલ પંદર લોકો સવાર હતા. આ બધા લોકો શ્રાવણ મહિનો હોવાથી પૃથ્વીનાથ મંદિરમાં પૂજા કરવા માટે જઈ રહ્યા હતા. કર નદીમાં પડી ગયા પછી તેનો દરવાજો ઝડપથી ખોલી શકાયો નહોતો. જેને કારણે અન્ડર રહેલા લોકોને બચાવવાનું કપરું થઇ પડ્યું હતું. ભેગા થઇ ગયેલા લોકોએ કારનો કાચ તોડી નાખ્યો હતો અને વાહનમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. ગોંડાના મોતીગંજ પોલીસ સ્ટેશનના સિહાગાંવ-ખડગુપુર રોડ પાસે આ બીના બની હતી. સતત થઇ રહેલા વરસાદને કારણે નહેર પાસેનો રસ્તો લપસણો થઈ ગયો છે, અને આ અકસ્માતમાં કારની ગતિ થોડી વધુ હતી. માટે કાર પરનું નિયંત્રણ ગુમાવી દેતાં કાર નહેરમાં ખાબકી ગઈ હતી.

જેવી આ ઘટના વિષે ખબર પડી કે તરત જ આસપાસમાંથી લોકો એકઠા થઇ ગયાં હતા. લોકોએ આ અકસ્માતની જાણ પોલીસને કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. 

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના (Gonda accident) પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. મૃતકોના પરિવારને 5-5 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. કુલ પંદર લોકોમાંથી ૧૧ લોકોનાં મોત થયા છે. જયારે ચાર લોકો ઘાયલ થયા છે, તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  મુખ્યમંત્રીએ અધિકારીઓને ઈજાગ્રસ્તોને પૂરતી અને યોગ્ય તમામ સારવાર મળી રહે તેવા નિર્દેશ આપ્યા છે. તેમણે ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.

તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે- ગોંડામાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. આ જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયવિદારક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રને આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોને તાત્કાલિક યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે.

અકસ્માત (Gonda accident)ની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ બીના (35), કાજલ (22), મહેક (12) દુર્ગેશ, નંદિની, અંકિત, શુભ, સંજુ વર્મા, અંજુ, અનસૂયા અને સૌમ્યા તરીકે થઈ છે.

national news india uttar pradesh road accident yogi adityanath