કોરિયન લવ ગેમની લતમાં ફસાયેલી ત્રણ બહેનોનો આત્મઘાતી અંજામ

05 February, 2026 09:40 AM IST  |  Ghaziabad | Gujarati Mid-day Correspondent

પચાસમા ટાસ્કના છેલ્લા દિવસે ૧૬, ૧૪ અને ૧૨ વર્ષની ત્રણ બહેનોએ નવમા માળની બાલ્કનીમાંથી કૂદીને જીવ આપી દીધો, ગાઝિયાબાદની હૃદયદ્રાવક ઘટના: ત્રણેય બહેનોમાં વચલી હતી ડેથ કમાન્ડર

જીવ આપનારી નિશિકા (૧૬), પ્રાચી (૧૪) અને પાખી (૧૨)

રાજધાની દિલ્હી પાસે આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ગઈ કાલે વહેલી સવારે ૩ સગીર બહેનોએ તેમના બિલ્ડિંગના નવમા માળની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી, જેમાં તમામ બહેનોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસ ઑનલાઇન ગેમિંગ સાથે જોડાયેલો છે. આ ઘટના ભારત સિટી સોસાયટીમાં બની હતી.

આ સંદર્ભમાં ગાઝિયાબાદ પોલીસે જણાવ્યું હતું કે ‘સ્થાનિક રહેવાસીઓએ રાત્રે બે વાગ્યાની આસપાસ જોરદાર અવાજ સાંભળ્યો હતો અને તેમણે પોલીસને જાણ કરી હતી. ૧૬ વર્ષની નિશિકા, ૧૪ વર્ષની પ્રાચી અને ૧૨ વર્ષની પાખી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પડી હતી અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી.’

કોરિયનલવ ગેમની વ્યસની

આ બહેનો કોરોના બાદ ઑનલાઇન ગેમ રમવા લાગી હતી. તેઓ એક કોરિયન ટાસ્ક આધારિત ઇન્ટરઍક્ટિવ ‘લવ ગેમ’ની વ્યસની બની હતી. ત્રણે એકસાથે જ ગેમ રમતી હતી. વચલી બહેન તેમની ડેથ કમાંડર હતી. ત્રણે બહેનો સાથે સ્કૂલમાં જતી હતી. છેલ્લા બે મહિનાથી તેઓ સ્કૂલમાં અનિયમિત હતી. તેમનાં માતા-પિતાએ મોબાઇલના વધારે પડતા ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. આથી ત્રણે પરેશાન હતી અને તેથી તેમણે આ પગલું ઉઠાવ્યું હશે એવું માનવામાં આવે છે.

પિતાએ બે લગ્ન કર્યાં હતાં

ત્રણેય બહેનના પિતા ચેતનકુમારે બે લગ્ન કર્યાં હતાં અને બન્ને પત્નીઓ સગી બહેનો હતી. પ્રથમ લગ્ન બાદ છોકરા ન થવાથી તેણે સાળી સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં તેને પાંચ બાળકો થયાં હતાં જેમાં પહેલી પત્નીનાં બે અને બીજી પત્નીનાં ત્રણ બાળકો છે. પહેલી પત્નીની એક દીકરી અને બીજી પત્નીની બે દીકરીઓએ આત્મહત્યા કરી છે. ચેતનકુમાર વેપારી છે.

મોબાઇલ ફોનની તપાસ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઑનલાઇન ગેમ્સનો ઉપયોગ વધ્યો છે એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘ત્રણે બહેનોએ વારંવાર સ્કૂલમાં જવાનું પણ છોડી દીધું હતું. અમે તેમના મોબાઇલ ફોનની તપાસ કરી રહ્યા છીએ અને ઘટનાનો ક્રમ સમજવા માટે પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે આ ગેમના અંતિમ ટાસ્કના ભાગરૂપે આપવામાં આવેલી સૂચનાઓ સાથે આત્મહત્યાનો બનાવ જોડાયેલો હોઈ શકે છે.’

પિતાએ શું કહ્યું?

છોકરીઓના પિતા ચેતનકુમારે જણાવ્યું હતું કે ‘હું મારો ચહેરો કોઈને બતાવવા માગતો નથી. તેઓ નિયમિત કોરિયન ગેમ રમતી હતી, પરંતુ ક્યારેય અમને કોઈ વિગતો આપતી નહોતી. અમને એના વિશે કોઈ ખ્યાલ નહોતો. અમને ખબર નહોતી કે તેઓ કોઈ ખતરનાક ઑનલાઇન પ્રવૃત્તિમાં સામેલ છે. ૫૦ ટાસ્ક હતા. ગઈ કાલે છેલ્લો હતો. અમને કોઈ ખ્યાલ નહોતો. અમને સમજાયું નહીં કે તેમના જીવનમાં શું થઈ રહ્યું છે.’

રૂમની ફર્શ પર ચોંટાડેલા ફોટો.

ગાઝિયાબાદની ભારત સિટી સોસાયટી, જ્યાં આ ઘટના બની.

સુસાઇડ-નોટમાં લખ્યું: સૉરી પાપા

આ બાળકીઓના રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો. દીવાલો પર રાધા-કૃષ્ણની તસવીરો અને પેન્સિલથી બનેલા સ્કેચ તથા એના પર ક્રૉસનાં નિશાન જોવા મળ્યાં હતાં. કેટલાંક સ્લોગન પણ લખેલાં હતાં અને એના પર પણ ક્રૉસનાં નિશાન હતાં. રૂમની ફર્શ પર ફૅમિલી-ફોટો ચોંટાડેલા જોવા મળ્યા હતા. આ છોકરીઓ પપ્પાને ઘણી વાર કહેતી કે અમારે કોરિયા જવું છે. એક સુસાઇડ-નોટ પણ મળી આવી છે જેનું શીર્ષક ‘True Life Story’ આપ્યું છે અને એમાં અંગ્રેજી લિપિમાં હિન્દીમાં લખ્યું છે ઃ ઇસ ડાયરી મેં જો કુછ ભી લિખા હૈ વો સબ પઢ લો, ક્યોંકિ યે સબ સચ હૈ. Read Now!! I’m really sorry, sorry papa.

national news india ghaziabad uttar pradesh suicide