✕

દેશભરમાં FSSAIની મેગા ડ્રાઇવ

09 November, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૧.૮૦ કરોડ રૂપિયાનો સબસ્ટાન્ડર્ડ ખોરાક જપ્ત; ૧૧૩૩ લાઇસન્સ સસ્પેન્ડ, બાવન કૅન્સલ

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)

તહેવારોની સીઝનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ લાલ આંખ કરી છે. FSSAIએ ૧ સપ્ટેમ્બરથી પાંચ નવેમ્બર દરમ્યાન દેશભરમાં ચલાવેલી સઘન ઝુંબેશમાં ૩૨૭૦ મેટ્રિક ટન જેટલો સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાવાળો ખોરાક જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા આ સામાનની કિંમત અંદાજે ૮૧.૮૦ કરોડ રૂપિયા થાય છે.
સોશ્યલ મીડિયા પર માહિતી આપતાં FSSAIએ જણાવ્યું કે આ ડ્રાઇવમાં કુલ ૫૬,૪૩૧ દુકાનો અને એકમોમાં તપાસ કરવામાં આવી હતી. ખામીઓ જણાતાં ૧૦,૦૪૭ વેપારીઓને સુધારા માટે નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે ૧૧૩૩ લાઇસન્સ સસ્પેન્ડ અને બાવન લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ૩૧૪ એકમોને સીલ કરીને ૪૧૦ લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન ૪૩,૯૩૯ સૅમ્પલ લેવાયાં હતાં, જેમાંથી ૨૨૭૩ સૅમ્પલ સુરક્ષાનાં ધોરણો પર ખરાં ઊતર્યાં નહોતાં. જપ્ત કરાયેલા સામાનમાં ઑઇલ, દૂધ, પનીર, ફરસાણ-મીઠાઈ, ઘી, બેકરીની આઇટમ્સ, ચૉકલેટ, આઇસક્રીમ અને પૅકેજ્ડ ફૂડનો સમાવેશ થાય છે. અગાઉ નેસ્લેના દૂધના પાઉડરનું સૅમ્પલ પણ ફેઇલ ગયું હતું, જેને પગલે એના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ આ પ્રકારની આકરી તપાસ ચાલુ રહેશે.

national news india indian food food news food and drug administration food safety and standards authority of india fssai