દિલ્હીમાં વિદેશી રાજદ્વારીઓ અને NSE વચ્ચે વાર્તાલાપ યોજાયો

10 June, 2025 11:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાર્તાલાપનો વિષય ‘રોડ ટુ વિકસિત ભારત : કન્ટ્રિબ્યુશન ઑફ કૅપિટલ માર્કેટ્સ ’ હતો જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ભારતનાં મૂડીબજારોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો

દિલ્હીમાં વિદેશી રાજદ્વારીઓ અને NSE વચ્ચે વાર્તાલાપ યોજાયો

ફાઉન્ડેશન ફૉર પબ્લિક અવેરનેસ ઍન્ડ પૉલિસી (FPAP)એ  દિલ્હીમાં વિદેશી રાજદ્વારી સમુદાય અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (NSE) વચ્ચેના વાર્તાલાપનું આયોજન કર્યું હતું. આ પ્રકારની સૌપ્રથમ પહેલનો હેતુ ભારતના નાણાકીય ઇકોસિસ્ટમના કેન્દ્રમાં NSE હોવાથી રાજદ્વારી સમુદાય અને મુખ્ય હિસ્સેદારો વચ્ચે અર્થપૂર્ણ સંવાદો દ્વારા ભારતની વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. આ વાર્તાલાપનો વિષય ‘રોડ ટુ વિકસિત ભારત : કન્ટ્રિબ્યુશન ઑફ કૅપિટલ માર્કેટ્સ ’ હતો જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ભારતનાં મૂડીબજારોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

રાજદ્વારી સમુદાય સાથેના વાર્તાલાપની શ્રેણીના ભાગરૂપે આ પ્રથમ વાર્તાલાપમાં દિલ્હીમાંના અનેક વિદેશી મિશનના વડાઓ અને NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણ એક મંચ પર આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન FPAPના વાઇસ ચૅરમૅન અને ટ્રસ્ટી અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. વિજય ચૌથાઈવાલે દ્વારા કરવામાં આવ્યું હતું. FPAPના ચૅરમૅન ડૉ. અનિર્બાન ગાંગુલી પણ આ વાર્તાલાપમાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ડૉ. વિજય ચૌથાઈવાલેએ કહ્યું હતું, ‘FPAP ખાતે, દિલ્હીમાં મિશનના વડાઓ સાથેના અમારા સંવાદો ભારતની વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવે છે. આવા સંવાદો સાર્વજનિક જાગૃતિમાં વધારો કરે છે અને દેશના વિકાસના માર્ગને સહાયક એવી નીતિઓને ઘડવા સક્ષમ બનાવે છે.

આ પ્રસંગે NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું, ‘દિલ્હીમાં મિશનના વડાઓ સાથેનો વાર્તાલાપ ભારતનાં મૂડીબજારોને વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે સ્થાન અપાવવાની, આર્થિક મુસ્તદ્દીગીરી અને રોકાણકારોના વિશ્વાસને વધારવાની અમારી પ્રતિબદ્ધતાને વેગ આપશે.’

માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વમાં ભારત યુએસએ, ચીન (હૉન્ગકૉન્ગ સહિત) અને જપાન પછી વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું મૂડીબજાર બન્યું છે. ભારતનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૧ વર્ષમાં છ ગણું વધ્યું છે. મે ૨૦૧૪માં માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૨ ટ્રિલ્યન યુએસ ડૉલર એટલે કે આશરે ૭૪ લાખ કરોડ રૂપિયા હતું એ આજે ૫.૨ ટ્રિલ્યન યુએસ ડૉલર એટલે કે આશરે ૪૫૦ લાખ કરોડ રૂપિયા થયું છે. આ વધારો ભારતની સરકાર, ભારતીય વેપાર સાહસિકો અને દેશના ભવિષ્યમાં વધેલા પ્રજાના વિશ્વાસને દર્શાવે છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના વિઝન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રાજદ્વારી વાર્તાલાપથી બળ મળે છે.

new delhi national news national stock exchange narendra modi stock market share market business news finance news news