તાજમહલની મસ્જિદમાં નમાજ પઢવા બદલ ચાર જણની ધરપકડ

27 May, 2022 11:19 AM IST  |  Agra | Ajay Motivala

શુક્રવારે પણ માત્ર જ્યાં આ સ્મારક આવેલું છે એ તાજગંજ વિસ્તારના લોકોને જ બપોરે ૧૨ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં નમાજ પઢવાની છૂટ છે.

પ્રતીકાત્મક તસવીર

તાજમહલના પ્રિમાઇસિસમાં શાહી મસ્જિદમાં નમાજ પઢવા બદલ ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે ગઈ કાલે આ જાણકારી આપી હતી. આ ચારેયની વિરુદ્ધ ‘રમખાણો કરાવવાના હેતુથી ઉશ્કેરણી’ને સંબંધિત આઇપીસીની કલમ ૧૫૩ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
પોલીસ સુપરિન્ટેડન્ટ વિકાસ કુમારે જણાવ્યું હતું કે ‘આ ચારેય ટૂરિસ્ટ્સની બુધવારે તાજ મહેલના પ્રિમાઇસિસમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢવા બદલ ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ત્રણ હૈદરાબાદના, જ્યારે એક આઝમગઢનો છે.’ આગરાના પુરાતત્ત્વ વિભાગના સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલૉજિસ્ટ રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શુક્રવાર સિવાય તાજ પ્રિમાઇસિસમાં નમાજ પઢવા પર પ્રતિબંધ છે. શુક્રવારે પણ માત્ર જ્યાં આ સ્મારક આવેલું છે એ તાજગંજ વિસ્તારના લોકોને જ બપોરે ૧૨ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં નમાજ પઢવાની છૂટ છે.
આ ચાર આરોપીઓને એએસઆઈ અને સીઆઈએસએફના જવાનોએ પકડ્યા હતા અને બાદમાં તેમને સ્થાનિક પોલીસને સોંપ્યા હતા.

national news taj mahal new delhi agra