ભાજપા સાંસદ ગૌતમ ગંભીરને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, તેમના ઘરની આસાપાસ સુરક્ષા વધારાઇ

24 November, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપના સાંસદ ગૌતમ ગંભીર પોતાના નીડર નિવેદનો માટે જાણીતા છે. હાલમાં જ તેમણે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું હતું

ગૌતમ ગંભીર - તસવીર એએફપી

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ ગૌતમ ગંભીરને (Gautam Gambhir) આઇસિસ કાશ્મીર (ISIS Kashmir) એ મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી અને ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે પૂર્વ દિલ્હી મતવિસ્તારથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમને આઈએસઆઈએસ કાશ્મીર તરફથી મારી નાખવાની ધમકી મળી છે. તપાસ ચાલુ છે. ફરિયાદ બાદ ગૌતમ ગંભીરના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે. 

ભાજપના સાંસદ ગૌતમ ગંભીર પોતાના નીડર નિવેદનો માટે જાણીતા છે. હાલમાં જ તેમણે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું હતું. ગંભીરે સિદ્ધુની પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મોટા ભાઈ કહેવા બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો આપતા પહેલા તમારા બાળકોને સરહદે મોકલો. ક્રિકેટરમાંથી નેતા બનેલા ગંભીરે કહ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારત 70 વર્ષથી લડી રહ્યું છે અને આ `શરમજનક` છે કે સિદ્ધુ એક `આતંકવાદી દેશ`ના પ્રધાનમંત્રીને પોતાના મોટાભાઈ ગણાવે છે. અત્રે જણાવવાનું કે નવજોત સિંહ સિદ્ધુએ 20 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં માથું ટેક્યા બાદ ઈમરાન ખાનની પ્રશંસા કરી હતી અને તેમને પોતાના મોટાભાઈ ગણાવ્યાં હતા. 

gautam gambhir new delhi kashmir