સીતાની નગરીથી રામનગરી માટે લાવવામાં આવી રહ્યા છે ખાસ પથ્થર

30 January, 2023 12:34 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

નેપાલથી આ શાલિગ્રામ પથ્થર ભારત લવાઈ રહ્યા છે, જેમાંથી રામલલ્લાના બાળસ્વરૂપની મૂર્તિ બનાવવામાં આવશે

રામ મંદિર ફાઇલ તસવીર

અયોધ્યા : અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ મંદિરમાં રામલલ્લાના બાળસ્વરૂપની મૂર્તિ જે પથ્થરમાંથી બનાવવામાં આવશે એ કોઈ સામાન્ય પથ્થર નથી, બલકે એનું ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે. નેપાલના મ્યાગ્દી જિલ્લાના બેનીથી આ પવિત્ર પથ્થર અયોધ્યા લવાઈ રહ્યા છે. પથ્થરને લાવતાં પહેલાં મ્યાગ્દીમાં શાસ્ત્રો મુજબ પૂજા કરવામાં આવી હતી. એ પછી જિયોલૉજિકલ અને આર્કિયોલૉજિકલ એક્સપર્ટ્સની દેખરેખમાં પથ્થર ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતા. એ પથ્થરોને એક મોટી ટ્રકમાં રાજકીય સન્માન સાથે લવાઈ રહ્યા છે. જ્યાંથી આ શિલા-યાત્રા પસાર થાય છે ત્યાંના સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓ એનાં દર્શન અને પૂજા કરે છે.

લગભગ ૭ મહિના પહેલાં નેપાલના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન બિમલેન્દ્ર નિધિએ શ્રીરામ મંદિરના નિર્માણ ટ્રસ્ટ સમક્ષ આ પથ્થર મોકલવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. બિમલેન્દ્ર સીતાની નગરી જનકપુર ધામના સંસદસભ્ય છે. તેમણે શ્રીરામ મંદિર નિર્માણ ટ્રસ્ટ સમક્ષ આ ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણમાં નેપાલ, ખાસ કરીને જનકપુર ધામના યોગદાન માટે આ પ્રસ્તાવ મૂક્યો હતો. નેપાલ સરકારે કૅબિનેટ મીટિંગમાં કાલી ગંડકી નદીના કિનારાના શાલિગ્રામ પથ્થરોને અયોધ્યા મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એ પછી આ પ્રકારના પથ્થર શોધવા માટે નેપાલ સરકારે જિયોલૉજિકલ અને આર્કિયોલૉજિકલ એક્સપર્ટ્સની ટીમ બનાવી હતી. 

આ પણ વાંચો : ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરને ખુલ્લું મુકાશે

શ્રીરામ મંદિર માટે જે પથ્થરને મોકલવામાં આવી રહ્યા છે એ સાડાછ કરોડ વર્ષ જૂના છે, એટલું જ નહીં, આ પથ્થર હજી એક લાખ વર્ષ સુધી ટકી રહેશે.  જે કાલી ગંડકી નદીના કિનારાથી આ પથ્થર મેળવવામાં આવ્યા છે એ નેપાલની પવિત્ર નદી છે. એ દામોદર કુંડથી નીકળીને ભારતમાં ગંગા નદીને મળે છે. આ નદીકિનારે શાલિગ્રામ પથ્થર મળે છે, એટલું જ નહીં, ભગવાન વિષ્ણુ સ્વરૂપે પણ શાલિગ્રામ પથ્થરની પૂજા કરવામાં આવી છે. આ જ કારણથી એને દેવશિલા પણ કહેવામાં આવે છે. 

પથ્થરનું વજન અને કદ

એક પથ્થરનું વજન ૨૬ ટન અને બીજા પથ્થરનું વજન ૧૪ ટન છે. આ પથ્થર અંદાજે ૭ ફુટ લાંબા અને પાંચ ફુટ પહોળા છે. મૂર્તિકારો હવે આ શાલિગ્રામ શિલાઓને ટૂંક સમયમાં ભગવાન શ્રીરામની મૂર્તિનો આકાર આપશે.

national news ayodhya uttar pradesh ram mandir nepal