હવે રશિયાએ ભારતના પરમાણુ પાવર પ્લાન્ટ માટે કરી મદદ

23 November, 2022 11:11 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

જેનાથી કુદનકુલમ પાવર પ્રોજેક્ટના રીઍક્ટર્સની ક્ષમતામાં વધારો થશે.

કુદનકુલમ પાવર પ્રોજેક્ટ

હૈદરાબાદ : રશિયાએ ભારતના પરમાણુ પાવર પ્લાન્ટના પરમાણુ ઈંધણ માટે નવી ટેક્નિક આપવાની ઑફર કરી છે, જેનાથી કુદનકુલમ પાવર પ્રોજેક્ટના રીઍક્ટર્સની ક્ષમતામાં વધારો થશે. હૈદરાબાદમાં આયોજિત એક કૉન્ફરન્સમાં ભાગ લેતી વખતે રશિયાની સરકાર દ્વારા સંચાલિત રોસાટોમ કૉર્પોરેશનના ઈંધણ વિભાગના સંશોધન અને વિકાસ ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ ઍલેક્ઝાન્ડર ઉગ્રુમોવે કહ્યું હતું કે આ ટેક્નિક કુદનકુલમના રીઍક્ટર અને નિર્માણાધીન રીઍક્ટરોની કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. હાલ કુદનકુલમ પાવર પ્રોજેક્ટમાં બે રશિયન ડિઝાઇનના ૧૦૦૦ મેગાવૉટના રીઍક્ટર કાર્યરત છે. અહીં બીજા ચાર રીઍક્ટર બનાવવામાં આવી રહ્યાં છે. યુક્રેન સાથે સંઘર્ષ છતાં પ્રોજેક્ટમાં કોઈ વિલંબ રશિયાએ કર્યો નથી. રોસાટોમે જણાવ્યું હતું કે નવી ટેક્નિક, પરમાણુ ઈંધણના નવા મૉડલ પાવર પ્રોજેક્ટની કામગીરીને વધુ સંરક્ષણ બનાવશે. આ વર્ષની શરૂઆતમાં ભારતને અદ્યતન ઈંધણ મળવાનું શરૂ થયું હતું. અગાઉનું ઈંધણ ૧૨ મહિના સુધી ચાલતું હતું. નવું ઈંધણ ૧૮ મહિના સુધી ચાલે છે, જે પાવર પ્લાન્ટની કામગીરી અને આર્થિક કાર્યક્ષમતામાં વધારો કરે છે. રશિયાની કંપની ૧૫ દેશોમાં ૭૫ પાવર રીઍક્ટરને પરમાણુ ઈંધણ પૂરું પાડે છે.  

national news russia tamil nadu hyderabad