કૂચબિહારમાં ગોળીબાર કાંડ માટે બંગાળની જનતા કહે તો રાજીનામું આપવા તૈયાર:અમિત શાહ

12 April, 2021 12:07 PM IST  |  Basirhat | Agency

કૂચબિહાર જિલ્લાના સિતલકૂચીમાં ગોળીબારમાં ચાર જણનાં મોતની ઘટનાના અનુસંધાનમાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજીએ કેન્દ્રના ગૃહપ્રધાનના હોદ્દા પરથી અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી. 

તસવીર સૌજન્ય મિડ-ડે

બસીરહાટ : (પી.ટી.આઇ.) કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળની જનતા કહે તો કેન્દ્રના ગૃહ પ્રધાનપદેથી રાજીનામું આપવાની તૈયારી છે, પરંતુ એ પહેલાં તૃણમૂલ કૉન્ગ્રેસ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હારી જવાની હોવાથી બીજી મેએ મમતા બૅનરજીએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે.’ અગાઉ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન દરમ્યાન કૂચબિહાર જિલ્લાના સિતલકૂચીમાં ગોળીબારમાં ચાર જણનાં મોતની ઘટનાના અનુસંધાનમાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજીએ કેન્દ્રના ગૃહપ્રધાનના હોદ્દા પરથી અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી. 
ઉત્તર ૨૪ પરગણાના બરસીહાટમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારોની પ્રચાર સભામાં મમતા બૅનરજીની એ માગણીના જવાબમાં અમિત શાહે બીજી મેએ મમતાદીદીના પરાજયની આગાહી કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે ‘મમતા બૅનરજી ગેરકાયદે પશ્ચિમ બંગાળમાં ઘૂસી આવેલા લોકોને ખુશ કરવા માટે નાગરિકતા કાયદા સામે વિરોધ કરે છે. એ ગેરકાયદે ઘૂસણખોરો ભારતની જનકલ્યાણ યોજનાઓના લાભ લે છે અને રમખાણો પણ કરે છે. 
મતુઆ સમુદાયને ભારતની નાગરિકતા મળે એમાં દીદીને શો વાંધો હોવો જોઈએ? જો એવું કરવામાં આવે તો ગેરકાયદે સ્થળાંતર કરીને અહીં રહેતા લોકો નારાજ થવાનો તેમને ભય છે. એ એવા લોકો છે જે મફતમાં અનાજ-કરિયાણા જેવા જનકલ્યાણ યોજનાના લાભો લઈને ભારતમાં રમખાણો કરે છે.’

amit shah national news