પાંચ રાફેલ આજે એરફોર્સમાં સામેલ, ભારતીય વાયુ સેનાની તાકાતમાં થયો વધારો

10 September, 2020 12:04 PM IST  |  Ambala | Gujarati Mid-day Online Correspondent

પાંચ રાફેલ આજે એરફોર્સમાં સામેલ, ભારતીય વાયુ સેનાની તાકાતમાં થયો વધારો

રાફેલ ફાઈટર પ્લેન

ભારતીય વાયુસેનામાં પાંચ રાફેલ ફાઈટર પ્લેનોને આજે અંબાલા એરફોર્સ બેઝ પર ઔપચારિક રીતે સામેલ કરવામાં છે. આ દરમિયાન આયોજિત સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લી (Florence Parly) અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  આ અવસરે વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ કહ્યું હતું કે, સુરક્ષાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા રાફેલને વાયુસેનામાં સામેલ કરવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે.

આ સમારોહ દરમિયાન આયોજિત ‘સર્વ ધર્મ પૂજા’માં પણ બન્ને દેશોના રક્ષા મંત્રી સામેલ થયા. સર્વધર્મ પૂજા બાદ રાફેલ જેટ્સ વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયા છે. અંબાલા એરબેઝથી પાંચ રાફેલે ફ્લાયપોસ્ટ કર્યું હતું. અંબાલા એરબેઝ ખાતે ફ્લાયપોસ્ટ દરમિયાન રાફેલ ફાઈટર એરક્રાફ્ટે ધીમી ઝડપે ઊડીને એર ડિસ્પ્લે કર્યું હતું. રાફેલ ફાઈટર જેટ્સને વોટરકેનન સેલ્યૂટ પણ કરવામાં આવ્યું હતું.

રાફેલ ફાઈટર પ્લેનને ભારતીય વાયુસેનામાં ઔપચારિક સામેલ થવાના સમારોહમાં સર્વ ધર્મ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. પાંચ ધર્મોના ધર્મગુરુઓ દ્વારા રાફેલની પૂજા કરાતાં તે વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સની રક્ષા મંત્રી, સીડીએસ બિપિન રાવત, એરફોર્સ ચીફ ભદૌરિયા આ પ્રસંગે ઉપસ્થતિ રહ્યાં હતાં.

રાફેલ ફાઈટર જેટની અંબાલા ખાતે આવેલી 17 સ્ક્વાડ્રનમાં સત્તાવાર એન્ટ્રી ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયા છે. 17 વર્ષ પછી કોઈ રક્ષા મંત્રી અંબાલા એરફોર્સ સ્ટેશનમાં કોઈ મોટા સમારોહમાં સામેલ થશે.આ પહેલા ઓગસ્ટ 2003માં NDA સરકારમાં રક્ષામંત્રી રહી ચુકેલા જ્યોર્જ ફર્નાંડિસે 73 વર્ષની ઉંમરમાં અંબાલાથી મિગ-21 બાઈસનમાં ઉડાન ભરી હતી.

તમને જણાવી દઈએ કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 ફાઈટર પ્લેનોની ખરીદી માટે 59,000 કરોડ રૂપિયાની થયેલી સમજૂતીના લગભગ ચાર વર્ષ બાદ 29 જુલાઈએ પાંચ રાફેલ પ્લેનનો પહેલો જથ્થો ભાર પહોંચ્યો હતો. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત આ પ્લેનોને 10 સપ્ટેમ્બરે ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભારતને 10 રાફેલ ફાઈટર પૂરા પાડવામાં આવી ચૂક્યા છે. જેમાંથી પાંચ હજુ ફ્રાન્સમાં છે જેની પર ભારતીય વાયુસેનાના પાયલટ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તમામ 36 ફાઈટર પ્લેનની આપૂર્તિ 2021ના અંત સુધીમાં પૂરી થઈ જવાની આશા છે.

national news india france indian air force