ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક બીઈસીએ સહિત પાંચ મોટા કરાર

28 October, 2020 12:44 PM IST  |  New Delhi | Agencies

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક બીઈસીએ સહિત પાંચ મોટા કરાર

નવી દિલ્હીમાં ગઈ કાલે અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયો, સંરક્ષણપ્રધાન ડોમ માર્ક ટી એસ્પર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, વિદેશપ્રધાન સુબ્રહ્મણ્યમ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ અને ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટર. (તસવીર : પી.ટી.આઇ.)

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક બીઈસીએ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. ગઈ કાલે બન્ને દેશો વચ્ચે ૨+૨ સંવાદ થયો, જેમાં સૈન્ય કરાર બીઈસીએ સહિત ૫ મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. બેઠકમાં બન્ને દેશના રક્ષાપ્રધાનો અને વિદેશપ્રધાનો મળ્યા હતા. અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિયો, રક્ષાપ્રધાન માર્ક એસ્પર, ગઈ કાલે હૈદરાબાદ હાઉસમાં બેઠક માટે પહોંચ્યા હતા.
ભારત અને અમેરિકા વચ્ચે બીઈસીએ કરાર પર હસ્તાક્ષર થયા. રક્ષામંત્રાલયના અધિક સચિવ જીવેશ નંદને ભારત તરફથી કરાર પર હસ્તાક્ષર કર્યા. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે અમેરિકા સાથે થયેલા હસ્તાક્ષરને એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી અને કહ્યું કે એનાથી સૂચના શૅરિંગમાં નવા રસ્તા ખૂલશે. ભારત યુએસ સાથે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુક છે.
વાતચીત શરૂ થતાં પહેલાં અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ દિલ્હીસ્થિત વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે અમેરિકાના રક્ષાપ્રધાન માર્ક એસ્પર પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ તેમણે વડા પ્રધાન મોદી સાથે પણ વાતચિત કરી હતી.

શું છે આ બીઈસીએ કરાર?
૨+૨ વાર્તામાં બન્ને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ (બીઈસીએ) કરાર થવા જઈ રહ્યો છે, જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. આ સમજૂતિથી અમેરિકી સેટેલાઇટો દ્વારા ભેગી કરાયેલી જાણકારી ભારત સાથે શૅર કરી શકાશે. આ સાથે જ અમેરિકાના સંવેદનશીલ સંચાર ડેટા સુધી ભારતની પહોંચ થશે. એનાથી ભારતીય મિસાઇલોની ક્ષમતા સટીક અને ખૂબ જ કારગર નીવડશે. આ સમજૂતિ બન્ને દોશોનાં સશસ્ત્ર દળો વચ્ચે વિસ્તારિત ભૂ-સ્થાનિક જાણકારી શૅર કરવાની મંજૂરી આપશે.

international news united states of america india