મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, રત્નાગીરીમાં એક વૃદ્ધ બન્યા ભોગ

25 June, 2021 03:55 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હવે કહેર મચાવવાનો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે એક દર્દીનું મોત થયું છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ તેના પગ ફેલાવી રહ્યો છે.  કોરોનાના આ નવા વેરિઅન્ટથી પ્રથમ મોત થયું છે.  ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે રત્નાગીરીમાં એક 80 વર્ષિય દર્દીનું મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓ હતા, જેમાં 80 વર્ષથી વૃદ્ધ વ્યક્તિના મોત બાદ હવે આ સંખ્યા 20 થઈ ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે ડેલ્ટા પ્લસના અત્યાર સુધીમાં આવેલા દર્દીઓની સંખ્યા માત્ર 21 છે, તો શું ત્યાં વાયરસનું રિપ્લેસમેન્ટ થયું છે? પહેલા તેમને ડેલ્ટા હતો પછી ડેલ્ટા પ્લસ થયો, ડેલ્ટાએ તેનું રૂપ બદલ્યો છે. આરોગ્ય પ્રધાને ઉમેર્યુ કે  અમે નજીકથી તપાસ કરી રહ્યા છીએ. અમે દર મહિને 37 જિલ્લામાં 100 નમૂના લઈએ છીએ અને અમે તેનો પ્રવાસનો ઇતિહાસ ચકાસીએ છીએ, તેને ફરીથી ચેપ લાગ્યો છે કે કેમ અને તેણે રસી લીધી છે કે કેમ તેની ચકાસણી કરીએ છીએ. આ મામલે અમને કેન્દ્રની મદદ પણ મળી રહી છે. આજે ડેલ્ટા પ્લસના 21 દર્દીઓ છે, જેમાંથી 1 વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું છે, જેને અન્ય રોગો પણ હતા. હજી 20 દર્દીઓ છે જેમાંથી કેટલાક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.  તેમણે કહ્યું કે ડરવાની કોઈ વાત નથી. અમે આ મામલે કેન્દ્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

maharashtra coronavirus covid19 national news