માદા ચિત્તા જ્વાલા ત્રીજી વાર મા બની, આ વખતે આપ્યો પાંચ બચ્ચાંને જન્મ

10 March, 2026 12:04 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના શ્યોપુરસ્થિત કુનો નૅશનલ પાર્કમાં માદા ચિત્તા જ્વાલાએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો હતો

બધા નવજાત શિશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે

મધ્ય પ્રદેશના શ્યોપુરસ્થિત કુનો નૅશનલ પાર્કમાં માદા ચિત્તા જ્વાલાએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ સાથે ભારતમાં ચિત્તાની સંખ્યા હવે ૫૦ને વટાવીને ૫૩ થઈ છે. આમાંથી ૩૩ ચિત્તાનો જન્મ ભારતમાં થયો છે.

વન-વિભાગના જણાવ્યા અનુસાર બધા નવજાત શિશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ તેમના પર સતત દેખરેખ રાખી રહી છે.

૭ દાયકા પહેલાં ભારતમાંથી ચિત્તા વિલુપ્ત થયા હતા, પણ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા મૂળ આફ્રિકન દેશ નામિબિયાથી આઠ ચિત્તા લાવીને કુનો નૅશનલ પાર્કમાં રાખવામાં આવ્યા હતા. માદા ચિત્તા જ્વાલાને નામિબિયાથી લાવવામાં આવી હતી. જ્વાલા સપ્ટેમ્બર ૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર દ્વારા કુનોમાં છોડવામાં આવેલા આઠ નામિબિયન ચિત્તાઓમાંની એક હતી. એ સમયે એનું નામ સિયાયા હતું, પરંતુ પછીથી એનું નામ બદલીને જ્વાલા રાખવામાં આવ્યું હતું. કુનોમાં આવ્યા પછી જ્વાલા શાનદાર રીતે અહીંની પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ ગઈ છે અને હવે તેને કુનોની સૌથી સફળ માદા ચિત્તામાંની એક માનવામાં આવે છે. જ્વાલાએ માર્ચ ૨૦૨૩માં પ્રથમ વખત ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો, પણ એમાંથી ફક્ત એક જ બચી શક્યું હતું. એ પછી એણે જાન્યુઆરી ૨૦૨૪માં બીજી વખત ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો. ત્રીજી વખત પાંચ બચ્ચાંને જન્મ આપીને તેણે કુનોમાં ચિત્તાની વસ્તી વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્વાલાનું સંવનન કુનોના ખુલ્લાં જંગલોમાં કુદરતી રીતે થયું હતું, જે દર્શાવે છે કે ચિત્તા હવે કુનોના વાતાવરણમાં સંપૂર્ણપણે અનુકૂલન પામી ચૂક્યા છે.

કુનોમાં નામિબિયાથી લાવેલી માદા ચિત્તા જ્વાલા અને આશા, સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલી ગામિની, વીરા અને નિર્વા તથા ભારતમાં જન્મેલી મુખીએ બચ્ચાંઓને જન્મ આપ્યો છે. હાલમાં બોટ્સ્વાનાથી ૯ ચિત્તા લાવવામાં આવ્યા છે.

national news india madhya pradesh wildlife