ભારતની સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, કરાચીના લોકોએ કર્યો આખી રાત ઉજાગરો

11 June, 2020 09:24 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતની સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, કરાચીના લોકોએ કર્યો આખી રાત ઉજાગરો

પ્રતીકાત્મક તસવીર

ગત વર્ષે પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન પર ભારતના આક્રમણનો ડર હજી પણ યથાવત્ છે.

મંગળવારે રાતે કરાચીના લોકો સર્જિકલ સ્ટ્રાઇકના ડરથી આખી રાત જાગ્યા હતા. ટ્વિટર પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો જાતજાતના ટ્વીટ કરી રહ્યા છે.

પાકિસ્તાનના કેટલાક ટ્વિટર યુઝર્સે દાવો કર્યો હતો કે કરાચીમાં મંગળવારની આખી રાત અંધારું રહ્યું હતું અને આકાશમાં લડાકુ વિમાનોની ઘરેરાટી સતત સંભળાતી રહી હતી. એવું લાગતું હતું કે ભારતે ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

અન્ય એક યુઝરે લખ્યું હતું કે મને લાગ્યું હતું કે કરાચી ઉપર ઘણાં લડાકુ વિમાનો ઊડી રહ્યા છે. અન્ય એક પાકિસ્તાની પત્રકારે લખ્યું છે કે ભારત અને પાકિસ્તાને સ્પષ્ટતા કરવી જોઈએ કે ખરેખર ચાલી શું રહ્યું છે. કરાચી શહેરમાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે, જે લોકોમાં ડર પેદા કરી રહી છે.

જો કે કેટલાક જાણકારોનું માનવું છે કે પાકિસ્તાની અૅરફોર્સનાં વિમાનો કરાચી નજીક અભ્યાસ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે ઊડેલાં લડાકુ વિમાનોથી કરાચીમાં અફવા ફેલાવાની શરૂ થઈ હતી.

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સવારે લગભગ સાડાપાંચ વાગે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષાદળોએ ૪ આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ શોપિયાંના સુગ્ગુ હેંધામા વિસ્તારમાં ચાલુ હતી. સુરક્ષાદળોની જોઇન્ટ ટીમે આ ઓપરેશનને અંજામ આપ્યો. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, ૪૪ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફ સામેલ હતા. છેલ્લા ૧૫ દિવસમાં કુલ ૨૨ આતંકવાદીઓને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે. જેમાં લગભગ ૮ ટોચના આતંકી સંગઠનના કમાન્ડર પણ સામેલ છે.

અત્રે જણાવવાનું કે શોપિયાંમાં થયેલી આ અથડામણમાં ચારેય આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. સેનાનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે જેથી કરીને હજી કોઈ આતંકી છુપાયેલો હોય તો ખબર પડે. જો કે સુરક્ષાદળોએ આતંકીઓને એવી રીતે ઘેરી લીધા હતા કે તેમનું બચવું મુશ્કેલ જ નહીં અશક્ય હતું.

આતંકીઓ જ્યાં છુપાયા હતાં ત્યાં જમીનની અંદર એક રૂમ જેટલો ખાડો ખોદાયો હતો. આ જગ્યાનો ઉપયોગ આતંકી છુપાવવા માટે કરતા હતા. એક ટોપના અધિકારીએ પુષ્ટિ કરી છે કે સુરક્ષાદળોની જોઇન્ટ ટીમ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. ઈનપુટ મુજબ ૨-૩ આતંકીઓ છુપાયેલા હોવાની ખબર મળી હતી.

national news india pakistan karachi jammu and kashmir