આજે ખેડૂતોનું રેલરોકો આંદોલન

18 February, 2021 09:19 AM IST  |  New Delhi | Agency

આજે ખેડૂતોનું રેલરોકો આંદોલન

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે આંદોલન કરતાં ખેડૂત સંગઠનોના સમન્વયકારી સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ આજે ‘રેલરોકો’ આંદોલનના એલાનના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલયે મજબૂત સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. રેલવેનું સુરક્ષા તંત્ર તથા કેન્દ્રિય સત્તાવાળાઓ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર ચાંપતી નજર રાખશે. એ પ્રાંતોમાં રેલવે પ્રોટેક્શન સ્પેશ્યલ ફોર્સ (આરપીએસએફ)ની વધારાની ઍડિશનલ કંપનીઓ (૨૦,૦૦૦ જવાનો) તહેનાત કરવામાં આવ્યા છે.

સંયુક્ત કિસાન મોરચાએ આજે બપોરે 12 વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી રાષ્ટ્રવ્યાપી રેલરોકો આંદોલનના કરેલા એલાનના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર વિરોધ પક્ષોના શાસન હેઠળનાં રાજ્યો અને ખેડૂત આંદોલનકારીઓની સઘન પ્રવૃત્તિ ધરાવતાં ક્ષેત્રોની સલામતીનો વિશેષ ખ્યાલ રાખે છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલ અરુણ કુમારે લોકોને શાંતિ જાળવવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ‘અમે જિલ્લા પ્રશાસનો જોડે જીવંત સંપર્ક જાળવીને કન્ટ્રોલ રૂમ્સ સક્રિય કર્યા છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ૨૦,૦૦૦ વધારે જવાનો તહેનાત કરવા ઉપરાંત એ રાજ્યોમાં ગુપ્તચર તંત્રોને પણ સક્રિય બનાવવામાં આવ્યાં છે, કારણ કે રેલરોકો આંદોલનના આયોજન માટે એ રાજ્યોમાં ખેડૂતોની ‘મહાપંચાયતો’ પણ યોજાઈ હતી.’

new delhi national news