લાલ કિલ્લા પાસે વિસ્ફોટમાં પ્રત્યક્ષદર્શીએ ડિલિવરીબૉયને સળગતો જોયો

12 November, 2025 11:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઘણા લોકોને રિક્ષામાં હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

લાલ કિલ્લા પાસે કાર-વિસ્ફોટના એક પ્રત્યક્ષદર્શી અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવનારાએ જણાવ્યું હતું કે મેં એક ડિલિવરી કરનાર વ્યક્તિને તેની બાઇક પર જ બળતી જતી જોઈ હતી. પોલીસે ઘણા લોકોને ટ્રૉમા સેન્ટરમાં મોકલ્યા છે. ઘણા લોકોને રિક્ષામાં હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

વર્ષો પછી મળેલા દોસ્તોની મુલાકાત છેલ્લી બની ગઈ


દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં અમરોહાના બે ઘનિષ્ઠ મિત્રો લોકેશ અગ્રવાલ અને અશોક કુમારે પણ જીવ ગુમાવ્યો હતો. લોકેશ દિલ્હીની હૉસ્પિટલમાં એક બીમાર સંબંધીની ખબર કાઢવા ગયો હતો અને એ વખતે તેણે એ તરફ જ રહેતા ગામના જૂના મિત્ર અશોક કુમારને વર્ષો પછી ફોન કર્યો અને બન્નેએ લાલ કિલા મેટ્રો સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું હતું. મેટ્રો સ્ટેશન પાસે થયેલા  ધમાકામાં બન્નેનાં મૃત્યુ થયાં હતાં. 

દિલ્હી-બ્લાસ્ટને લઈને ATSએ મુંબ્રામાં કાર્યવાહી કરી, બે જણની પૂછપરછ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને દેશભરમાં અનેક જગ્યાએ તપાસ થઈ રહી છે. એની તપાસ માટે મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)ના અધિકારીઓએ મુંબ્રામાં ૪ ઘર પર સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. આ સંદર્ભે બે જણને તાબામાં લેવામાં આવ્યા છે અને તેની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી કેટલીક ઇલેકટ્રૉનિક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે અને એની પણ ચકાસણી થઈ રહી છે. અલ કાયદા ઇન્ડિયન સબકૉન્ટિનેન્ટ ટેરર ગ્રુપનું લિટરેચર ધરાવવા બદલ આ પહેલાં ATSએ પુણેના સૉફ્ટવેર એન્જિનિયર ઝુબેર ઇલિયાસ હંગરગેકરને પકડ્યો હતો. એના સંદર્ભમાં મુંબ્રામાં ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરની બેઠક, કહ્યું... દિલ્હી ધમાકાના એક પણ દોષીને બક્ષવામાં નહીં આવે

ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે રાત્રે દિલ્હી કારબ્લાસ્ટની ઘટનાના દોષીઓને જલદી પકડી પાડવા માટે તપાસ એજન્સીઓને દોડતી કરી દીધી હતી. મંગળવારે તેમણે બે મીટિંગો કરી હતી. પહેલી બેઠક વહેલી સવારે થઈ હતી અને બીજી બેઠક નૅશનલ સિક્યૉરિટી એજન્સીના અધિકારીઓની બપોરે થઈ હતી. એ બેઠકમાં અધિકારીઓએ વિસ્ફોટ પછી મળેલી વિગતોની વિસ્તૃત રજૂઆત કરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં આગળની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં આવી હતી. 

national news india red fort delhi news new delhi Crime News